રસ્તા પર ઉખડેલી કપચી કે પછી મ્યુનિ.ની અાબરૂના કાંકરા?

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી ભ્રષ્ટ વિભાગો પૈકીના ઇજનેર વિભાગના અમુક લેભાગુ અધિકારીઓ સાથેેની કોન્ટ્રાકટરોની મિલી ભગતથી શહેરમાં હલકી ગુણવત્તાના રોડ બની રહ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં રોડ રિસરફેસિંગ અને નવા રોડ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાંથી રૂ.૧રપ૦ કરોડથી વધુ વપરાયા છે તેમ છતાં ભ્રષ્ટાચારના કારણે રોડનાં કામો તંત્રમાં ખાયકી માટેનું મોટું સાધન બન્યા છે. ચાલુ ચોમાસામાં શહેરભરમાં રોડ પર ગાબડાં પડીને કાંકરીઓ ઊખડી જતાં એક પ્રકારે કોર્પોરેશનની આબરૂના કાંકરા રોડ પર ઊડી રહ્યા છે.

શહેરમાં ચોમાસાની સિઝનનો માંડ છ ઇંચ વરસાદ જ પડ્યો છે. આ વરસાદ પણ છૂટોછવાયો નોંધાયો છે. તેમ છતાં આવા સામાન્ય વરસાદમાં પણ શહેરના રોડ ધોવાયા છે. રોડ ધોવાયાનાં મુખ્ય કારણો પૈકી ડામરની ચોરીનું છે. કેટલાક કોન્ટ્રાકટરો વધુ નાણાં કમાવાની લાલચમાં રોડનાં કામોમાં પૂરતો ડામર વાપરતા જ નથી. આના કારણે રોડની ઉપરની કાંકરી ઉખડીને માટી ફેલાઇ રહી છે. રોડ પરની કાંકરી, કપચી અને માટીથી વાહનો લપસી પડીને પ્રાણઘાતક અકસ્માત સર્જી શકે તેમ હોઇ નાગરિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમારને પણ લોકોના આક્રોશને જોઇને રોડનાં કામોમાં ડામરની ચોરી કરવી જેવો ભ્રષ્ટાચાર આચરનાર કોન્ટ્રાકટર સામે લાલ આંખ કરવાની ફરજ પડી છે. અનુપમબ્રિજથી હાટકેશ્વર જતો રોડ, સરસપુરનો મંછાની મસ્જિદથી અનિલ સ્ટાર્ચ તરફ જતો રોડ તેમજ વેજલપુર રોડ ધોવાતાં તેના કોન્ટ્રાકટર જી.પી. ચૌધરી અને આકાશ ઇન્ફ્રાસ્ટ્રકચરને નોટિસ ફટકારાઇ છે. આ બે કોન્ટ્રાકટર ઉપરાંત વધુ કોન્ટ્રાકટર પણ તંત્રની લપેટમાં આવ્યા છે. ગઇ કાલ સાંજથી રોડ પ્રોજેકટ વિભાગ અને જે તે ઝોનના ઇજનેર વિભાગ દ્વારા પોતાના ઝોનના રોડનાં કામોની ગુણવત્તાનો સર્વે કરાયા બાદ જે તે કસૂરવાર કોન્ટ્રાકટરને નોટિસ અપાઇ રહી છે.

રોડના કામની ‘ડિફેક્ટ લાયાબિલિટી’માં આવતા કોન્ટ્રાકટરને તેમના ખર્ચે જ તાત્કાલીક રોડનાં રિપેરિંગની કડક સૂચના તંત્ર દ્વારા અપાઇ રહી છે, ઇજનેર વિભાગના ટોચનાં સૂત્રો કહે છે, છેલ્લા એક વર્ષમાં બનેલા રોડ પૈકી નવા પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોનમાંંથી સવિશેષ ફરિયાદો ઊઠી છે. શહેરમાં બોડકદેવથી સરસપુર અને નરોડા સુધીના રસ્તાનું ધોવાણ થતાં જવાબદાર કોન્ટ્રાકટર સામે તંત્ર કડક પગલાં લઇ રહ્યું છે.

જી.પી. ચૌધરી અાશિષ ઇન્ફ્રાસ્ટ્રકચર, આકાશ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ભગિરથ એસોસિયેટ જેવા કોન્ટ્રાકટર તંત્રના સકંજામાં આવ્યા છે. રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જતીન પટેલ કહે છે. ઝોનલ સ્તરના સરસપુર સહિતના બે વોર્ડના રોડ હલકી ગુણવત્તાના પુરવાર થતાં જી.પી. ચૌધરી અને આકાશ ઇન્ફ્રાસ્ટ્રકચરને નોટિસ ફટકારીને સ્વખર્ચે રોડ રિપેરિંગ કરવાની સૂચના અપાઇ છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ કહે છે રોડની ગુણવત્તાની ચકાસણી કરવાની કામગીરી મ્યુનિસિપલ ઇજનેર વિભાગ કરે છે. જે રીતે રોડ હલકી ગુણવત્તાના પુરવાર થયા છે તેને જોતાં કસુરવાર અધિકારી સામે પણ શિક્ષાત્મક પગલાં લેવાશે.

શહેરમાં ચાલુ વર્ષે પ૧ર રોડ તૈયાર કરાયા છે. ગત ઓકટોબર ર૦૧૬થી જૂન ર૦૧૭ સુધીમાં કોર્પોરેશન દ્વારા ૪પ૬ ઝોનલ સ્તરના અને ૪ર રોડ પ્રોજેકટ વિભાગના મળીને કુલ પ૧ર રોડનાં કામો હાથ ધરાયાં હતાં જેની પાછળ રૂપિયા ૩પ૦ કરોડનો ખર્ચ કરાયો હતો. નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૪પ, પશ્ચિમમાં ૬૭, મધ્યમાં ૩ર, ઉત્તરમાં પ૮, પૂર્વમાં ૭૯ અને દ‌ક્ષિણમાં ૭પ રોડના કામ જે તે ઝોનના ઇજનેર વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા.

એક કિમીનો રોડ બનાવવાનો ખર્ચ એક કરોડઃ ખાયકી ૪૦ લાખ!
કોર્પોરેશન દ્વારા શહેરમાં જે પ્રકારે રોડ રિસરફેસિંગનાં કામો હાથ ધરાયાં છે. તેને જોતાં આ કામો ભારે ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે. કેમ કે એક કિ.મી. રોડ બનાવવામાં મ્યુનિ. તિજોરીમાંથી અંદાજે એક કરોડ ખર્ચાયા છે, જોકે શાસકો પણ રોડનાં કામોમાં ૪૦ ટકાની ખાયકી થતી હોવાનું નિખાલસપણે કબૂલે છે.
http://sambhaavnews.com/

You might also like