રસ્તા રિપેરિંગના નામે ઠેર ઠેર અાડેધડ થીગડાં

અમદાવાદ: ભાજપ શાસિત કોર્પોરેશનના ઇજનેર અને રોડ પ્રોજેકટ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે રસ્તાનાં કામમાં ભાગ્યે જ ગુણવત્તા જળવાય છે. એક ‌કિ.મી. લાંબા રસ્તાના રિસરફેસિંગ પાછળ સહેજે એક કરોડ રૂપિયાનું આંધણ કરાય છે. પરંતુ રસ્તાનાં કામમાં જાહેર નાણાંનો દુવ્યર્ય થઇ રહ્યો હોવા છતાં શાસકો પણ ભ્રષ્ટાચારીઓને છાવરે છે.

તાજેતરમાં જ રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા ગુરુકુળથી સુભાષચોક થઇ સરકારી વસાહત સુધીના રોડની કામગીરીમાં ગેરરીતિ છતી થઇ છે. ખુદ મ્યુનિ. વિજિલન્સ વિભાગની તપાસમાં રોડ પ્રોજેકટ વિભાગ અને કોન્ટ્રાકટરની સાઠગાંઠ ખુલ્લી થતાં શાસકોને કોન્ટ્રાકટર એક વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાની ફરજ પડી હતી. જોકે આશ્ચર્યજનક રીતે એક પણ અધિકારી સામે હજુ સુધી શિક્ષાત્મક કાર્યવાહી કરાઇ નથી. છેલ્લે મળેલા મ્યુનિ. બોર્ડમાં પણ આ મામલો વિપક્ષ કોંગ્રેસે ભાજપ અને તંત્ર પર હલ્લાબોલ કર્યું હતું.

દેવ દિવાળી બાદ શહેરના રસ્તાઓના રિસરફેસિંગની કામગીરી કોર્પોરેશને હાથ ધરી છે જોકે તેમાં પણ રીતસરની વેઠ ઉતારાઇ રી છે. નવા પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં તંત્ર કોન્ટ્રાકટરને એક અથવા બીજી રીતે છાવરી રહ્યું હોઇ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગોતામાં આવેલા વિશ્વકર્મા મંદિરથી વંદેમાતરમ્ રોડ પર રિપેરિંગનાં નામે થીગડાં મારી દેવાયાં છે. ચોમાસાના ઓછા વરસાદમાં પણ મોટાભાગના રસ્તા ધોવાયા છે. આ સંજોગોમાં ઊંટની પીઠ જેવા ઊબડખાબડ થીંગડાંથી રસ્તાની દુર્દશામાં વધારો જ થયો છે. જ્યાં સુવ્યસ્થિતપણે મેટલ પાથરીને રોડ બનાવવાના હોય ત્યાં આઘાતજનક રીતે માટી અને કપચીથી ‘તકલાદી રોડ’ બની રહ્યા છે.

નવા પશ્ચિમ ઝોનના નવગઠિત મકતમપુરા વોર્ડમાં પણ લોકોની હાલાકીનો પાર નથી. બળિયાજીના મંદિરથી જૂના સોનલ સિનેમા સુધીના રોડને દોઢ દોઢ વર્ષની ‘ડિસ્કો રોડ’માં બદલનાર તંત્રે અત્યારે રોડ રિસરફેસિંગના નામે અહીં ડામરના થરના થર પાથરવા લીધા છે. જેમાં ગટરના ઢાંકણાં અદૃશ્ય થઇ ગયાં છે. જેને કારણે નીચાણના વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની દહેશત પણ સર્જાઇ છે.
visit : www.sambhaavnews.com

You might also like