રસ્તા પછી રિપેર કરજો, પહેલાં અા ખોફનાક ખાડા તો પૂરો

અમદાવાદ: શહેરના રસ્તાઓની ચાલુ ચોમાસાના પહેલા વરસાદમાં થયેલી ખાના-ખરાબી જગજાહેર છે. ખુદ શાસક ભાજપ પક્ષના પ્રધાનો, ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ બિસમાર થયેલા રસ્તાને જોઇને સ્વપક્ષની શિસ્તને ભૂલીને લાગતા-વળગતાઓની સામે રોષે ભરાયા છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો તો હજુ સુધી હવામાં જ તલવાર વીંઝી રહ્યા છે. આ તલવાર પણ લાકડાની હોઇ તેઅો પ્રજાની નજરોમાં હાસ્યાસ્પદ ઠર્યા છે. રસ્તા તૂટી ગયા હોઇ ઠેર ઠેર ખાડા પડતાં પિકઅવર્સમાં ટ્રાફિક જામ થઇ રહ્યો છે. વાહનચાલકો અને તેમાં પણ મહિલા વાહનચાલકો ફફડાટ અનુભવીને વાહન હંકારી રહ્યા છે. ડિસ્કો રોડથી અકસ્માતો વધ્યા છે. આ વરસાદમાં રોડ રિપેરિંગ તો જાણે કે ઉઘાડ પછીની વાત છે, પરંતુ સત્તાધીશોએ ખાડા પૂરવાની તસદી સુદ્ધાં લીધી નથી.

અમદાવાદમાં દર એક કિલોમીટરના રોડ રિસરફેસિંગ પાછળ પ્રજાની તિજોરીમાંથી ઓછામાં ઓછા એક કરોડ રૂપિયા ખર્ચાઇ રહ્યા છે. નવા રોડ બનાવવાનો પ્રતિ કિ.મી. ખર્ચ રૂ. બે કરોડનો છે. છેલ્લા ત્રણ વર્ષમાં ફક્ત બિસ્માર રોડનાં રિપેરિંગ પાછળ જ મ્યુનિસિપલ સત્તાવાળાઓ રૂ.૮૦૦ કરોડથી વધુ નાણાં ખર્ચી ચૂક્યા છે. તેમ છતાં ખાયકીનું પ્રમાણ ૪૦ ટકા જેટલું હોઇ કરોડોના ખર્ચે રિપેરિંગ થયેલા રસ્તા વરસાદના સામાન્ય મારમાં તૂટીને અસ્તવ્યસ્ત થઇ રહ્યા છે.

આગામી ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી હોઇ છેક ગાંધીનગર સુધી રસ્તાનાં કામોના ભ્રષ્ટાચારની ગંભીરતાથી નોંધ લેવાઇ રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે નબળી ગુણવત્તાના રોડ બનાવવાની મિલીભગતમાં સામેલ અધિકારીઓને સામે પણ શિક્ષાત્મક પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે. ખુદ તેમની છેલ્લી બે કમિટીમાં તમામે તમામ સભ્યો ખરાબ રસ્તા અંગે પ્રજાને પડતી મુશ્કેલીઓને તંત્રને ચિતાર આપ્યો છે.

વરસાદ દરમ્યાન રોડ રિપેરિંગનું કામ હાથ ધરાય પરંતુ ખાડાનું માટી, ઇંટોના રોડાથી વ્યવસ્થિત પુરાણ હજુ સુધી કરાયું નથી. ક્યાંક ક્યાંક આડેધડ રીતે કપચી નંખાઇ છે. આ કપચીથી વાહનોને પંચર પડી રહ્યાં છે તો ટુ વ્હીલરો સ્લિપ થાય છે. વરસાદનાં ભારે ઝાપટાં પડ્યા બાદ કલાકમાં પાણી અોસરી જતાં હોવા છતાં સત્તાવાળાઓ જાણે સંવેદનહીન બન્યા હોય તેમ ખાડા પૂરતા નથી. કોન્ટ્રાક્ટર પોથી રસ્તા પરની કપચી ઉપાડવાને બદલે હેલ્થ વિભાગ પાસે આ મજૂરી કરાવાતા આ બાબત પણ વિવાદાસ્પદ બની જ હતી. આ દરમ્યાન આ અંગે પ્રવીણ પટેલને પૂછતાં તેઓ કહે છે કે, અગાઉ ઇંટના ભઠ્ઠામાંથી પુરાણ કરવા માટેનું છારું સરળતાથી ઉપલબ્ધ થતું હતું પરંતુ હવે ભઠ્ઠામાંથી છારું સહેલાઇથી મળતું ન હોઇ તોડેલા રોડના મટીરિયલનો મોટા ખાડા પૂરવા ઉપયોગ કરવાની તંત્રને સૂચના આપીશ. બે ઝેડ પેચિંગ મશીનને પેચવર્ક કરવા તૈયાર રખાયા છે તેનો ઉઘાડ નીકળ્યા બાદ મોટાપાયે ઉપયોગ કરાશે.
http://sambhaavnews.com/

You might also like