આ રસ્તા દિવાળી પછી જ રિસરફેસ થશે

અમદાવાદ: અમદાવાદીઓને એએમટીએસ, બીઆરટીએસ બાદ જાહેર પરિવહન સેવાના ક્ષેત્રમાં મેટ્રો રેલનો ત્રીજો વિકલ્પ આપવાની દિશામાં તંત્ર દ્વારા જોરશોરથી કવાયત હાથ ધરાઇ છે. હાલમાં સત્તાવાળાઓએ મહદંશે વસ્ત્રાલ ગામથી કાંકરિયા એપરલ પાર્ક સુધીના છ કિ.મી.ના લાંબા પાઇલટ પ્રોજેકટ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જોકે શહેરમાં મેટ્રો રેલવે પ્રોજેકટ હેઠળ બે તબક્કામાં નિર્માણ કાર્ય હાથ ધરાયું હોઇ વાસણા એપીએમસી માર્કેટથી જીવરાજ પાર્ક ચાર રસ્તા, રાજીવનગર થઇને શ્રેયસ ક્રોસિંગ સુધીના એલિવેટેડ કોરિડોર ઉપર પણ ઝડપભેર કામ ચાલતું હોઇ તેને સંલગ્ન રસ્તો વાહનચાલકો માટે જોખમી બન્યો છે. જોકે દિવાળીના સપરમા તહેવારોમાં પણ લોકોને આ રસ્તો આફતરૂપ બનશે. દિવાળી બાદ જ આ રસ્તાની હાલત સુધરવાની છે.

વાસણા એપીએમસી માર્કેટથી જીવરાજ પાર્ક, રાજીવનગર, શ્રેયસ થઇને પાલડી, ગાંધીગ્રામ તરફ જતા કોરિડોરના કામકાજથી અત્યારે એપીએમસી માર્કેટથી શ્રેયસ ક્રોસિંગ સુધીનો રસ્તો ભયજનક હાલતમાં મુકાઇ ગયો છે. વેજલપુરના બુટભવાની મંદિરથી વસ્ત્રાપુર રેલવે સ્ટેશન થઇને જીવરાજ પાર્કથી આગળ શ્રેયસ ક્રોસિંગ સુધીના અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇને સમાંતર રસ્તો સુદ્ધાં વાહનચાલકો માટે જોખમી બન્યો છે. એલિવેટેડ કોરિડોર માટેનાં તોતિંગ ગર્ડરોની હેરફેર કરતા જંગી ટ્રેલરમાંથી અનેકવાર ગર્ડર રોડ પર પછડાઇ રહ્યાં છે.

ભારે વહન ક્ષમતા ધરાવતા ટ્રકની અવરજવર પણ રાતના સમયગાળામાં ખાસ્સી થતી હોઇ આ તમામ બાબતોથી આ રોડ બિસ્માર થઇને સ્થાનિક રહેવાસીઓ માટે આફતરૂપ બન્યો છે. જોકે છેક દિવાળીના સપરમા દિવસોમાં પણ સ્થાનિક રહેવાસીઓનો ખરાબ રોડથી છુટકારો થવાનો નથી. વેજલપુરના કોર્પોરેટર દિલીપ બગરિયા કહે છે કે, “આ રોડ ભયાનક હાલતમાં મુકાયો હોઇ તેની તરફ મેટ્રો રેલવેના સત્તાવાળાઓનું ત્રણ મહિના પહેલાં ધ્યાન દોર્યું હતું. જોકે કોરિડોરનું કામકાજ છ મહિના સુધી ચાલવાનું છે. અધવચ્ચે રોડ સારો કરી આપવાને બદલે કામકાજ આટોપાઇ જાય બાદ મેટ્રો રેલવેના સત્તાવાળાઓ નવો રોડ તૈયાર કરીને આપશે. એટલે દિવાળી બાદ આ રસ્તાની સ્થિતિ સુુધરશે.”
http://sambhaavnews.com/

You might also like