તૂટેલા રોડની તપાસનો રેલો હજુ એક પણ અધિકારી સુધી આવ્યો નથી!

અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા દાયકાથી વધુ સમયથી કોર્પોરેશનમાં સત્તા સ્થાને રહેલા શાસક પક્ષ ભાજપ માટે પહેલી વખત તૂટેલા રોડનો મુદ્દો સૌથી વધુ વિવાદાસ્પદ બન્યો છે. તંત્ર અને તેમાં પણ ખાસ કરીને શાસકો વિરુદ્ધ લોકોમાં ભારે રોષ ફાટી નીકળવાથી આગામી ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપને કપરાં ચઢાણ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ હાઈકોર્ટ પણ તૂટેલા રોડના મામલે તંત્ર સામે લાલઘુમ થતા સત્તાવાળાઓ રઘવાયા બન્યા છે. જો કે વિજિલન્સ તપાસ હજુ કોઈ નક્કર દિશામાં આગળ વધવાને બદલે જે તે તૂટેલા રોડના નમૂના લેવા પૂરતી જ ચાલી રહી છે. કેમ કે હજુ અધિકારીઓ સુધી રોડની તપાસનો રેલો આવ્યો નથી.

મ્યુનિસિપલ તંત્રનો રોડનાં કામો બાબતે હાઈકોર્ટ અવારનવાર કાન આમળી રહી છે. તંત્રના રોડ રિસરફેસિંગની કામગીરીથી પણ હાઈકોર્ટને સંતોષ નથી. આજે પણ હાઈકોર્ટ સમક્ષ સત્તાવાળાઓને તૂટેલા રોડ બાબતે હાજર રહેવું પડશે. મ્યુનિસિપલ સત્તાવાળાઓની વિજિલન્સ તપાસમાં માત્ર ત્રણ કોન્ટ્રાક્ટ દોષી પુરવાર થયા છે અને ઈજનેર વિભાગના નાના કર્મચારીઓ સામે પગલાં લેવાયાં છે. જો કે બોગસ બિલના પેમેન્ટ કૌભાંડમાં એક ડેપ્યુટી સિટી ઈજનેર અને છ આસિસ્ટન્ટ ઈજનેરને સસ્પેન્ડ કરનાર વહીવટી તંત્રે આજ દિન સુધી એક પણ ટોચના અધિકારીને સસ્પેન્ડ કરવાની હિંમત દાખવી નથી.

તૂટેલા રોડના મામલે પણ ભાજપનો જૂથવાદ અવારનવાર સપાટી પર આવ્યો છે. રોડ અને બિલ્ડિંગ કમિટીના ચેરમેનની જાહેરમાં અવગણના થઈ રહી હોઈ તેઓ સ્વપક્ષના ટોચના હોદ્દેદારોથી ભારે નારાજ છે. અત્યારે તો દિવાળી પહેલાં ગમે તેમ કરીને શહેરના મુખ્ય રસ્તાને ‘ચકાચક’ કરી દેવાની કવાયત ચાલી રહી છે. વિજિલન્સ તપાસ હેઠળ વધુને વધુ તૂટેલા રોડના નમૂના લેવાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૯૦ નમૂના લેવાયા છે. જે પૈકી માત્ર ૧૩ નમૂનાના રિપોર્ટ આવ્યા છે. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ, ગાંધીનગર સ્થિત ‘ગેરી’ બાદ હવે મ્યુનિસિપલ તંત્ર રાજય સરકારના આદેશથી એફએસએલમાં પણ નમૂના મોકલાવી રહ્યું છે. જોકે શાસકો વિજિલન્સ તપાસને તંત્રનો વિષય ગણાવીને કોઈપણ પ્રકારની ટીકા ટિપ્પણી કરવાનું ટાળી રહ્યા છે.

બીજી તરફ મ્યુનિસિપલ ભાજપનાં સૂત્રો કહે છે, અમુક હોદ્દેદારોને માનીતા કોન્ટ્રાક્ટર અને અધિકારીને બચાવવામાં રસ હોઈ વિજિલન્સ તપાસ ગોકળગાય ગતિએ ચાલે તેવા પ્રયત્ન થઈ રહ્યા છે. રોડ પ્રોજેક્ટ વિભાગનો હવાલો સંભાળતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મૂકેશ ગઢવી કહે છે કે કોર્પોરેશનમાં રોડનાં તમામ કામો એપ્રિલ ર૦૧પના પરિપત્ર મુજબ ચાલી રહ્યા છે અને વિજિલન્સમાં તપાસ પણ આ પરિપત્ર મુજબ અધિકારીઓની જવાબદારી નક્કી કરશે. જ્યારે વિજિલન્સ વિભાગનો હવાલો સંભાળતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહ કહે છે કે અત્યાર સુધી હાઇકોર્ટમાં તૂટેલા રોડના સંર્દભમાં ચાર સીલબંધ કવરમાં રિપોર્ટ સોંપાયા છે. અત્યારે જે તે તૂટેલા રોડના નમૂનાની કામગીરી ચાલી રહી હોઇ જે તે અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની તપાસ આગળની પ્રકિયાના ભાગરૂપે થશે.

You might also like