રસ્તા રિપેરિંગ પાછળ હજુ રૂ.૭૪ કરોડથી વધુ ખર્ચાશે

અમદાવાદ: ચાલુ ચોમાસામાં સામાન્ય વરસાદથી શહેરભરના આશરે રૂ.રપ૦ કરોડથી વધુ કિંમતના રસ્તા ધોવાયા હોઇ તંત્રની આબરૂના લીરે લીરા ઊડ્યા છે. તૂટેલા રસ્તાના મામલે હાઇકોર્ટે લાલ આંખ કરતાં સત્તાવાળાઓએ યુદ્ધસ્તરે રોડ રિપેરિંગનું કામકાજ હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં મ્યુનિસિપલ તિજોરીમાંથી રસ્તાના રિસરફેસિંગ અને માઇક્રો સરફેસિંગની પાછળ રૂ.૩૮૦ કરોડથી પણ વધુ ખર્ચાઇ ચૂક્યા છે. દરમિયાન રસ્તા રિપેરિંગ પાછળ હજુ વધુ રૂ.૭૪ કરોડ ખર્ચાવાના છે.

શહેરના સૌથી સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડના મુખ્ય રસ્તાઓને રિસરફેસ કરવાના વધુ એક કામ માટે પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા ઇ-ટેન્ડર બહાર પડાયાં હતાં, જેમાં ફરીથી સિંગલ ટેન્ડરની બોલબાલા થઇ હોઇ મેસર્સ એલ.જી.ચૌધરીના તંત્રના અંદા‌િજત ભાવથી ર૧.પ૧ ટકા વધુ ભાવના આશરે રૂ.ર૦.૦૪ કરોડના ટેન્ડરને મંજૂરી અપાઇ છે. તૂટેલા રસ્તાના મામલે મ્યુનિસિપલ સત્તાવાળાઓ ભેખડે ભરાયા હોઇ કોન્ટ્રાક્ટરોના અંદા‌િજત ભાવથી ર૧ ટકાથી વધુ ભાવના ટેન્ડરને મંજૂરી અપાઇ રહી છે.

જ્યારે પૂર્વ ઝોનમાં રોડ પ્રોજેક્ટ તેમજ ઝોન દ્વારા નવા રિસરફેસ કરવામાં આવનારા રસ્તા અને અન્ય જગ્યાઓ પર થર્મોપ્લાસ્ટિક પેઇન્ટથી પેઇ‌ન્ટ કરવાના કામમાં પણ કન્સ્ટ્રક્શન મેન્ટેનન્સ કોર્પોરેશન (ઇન્ડિયા)ના રૂ.પ૪.ર૪ કરોડના ટેન્ડરને લીલી ઝંડી અપાઇ છે.
ખાસ તો દ‌િક્ષણ ઝોનમાં વહીવટીતંત્ર ચોમાસા વીત્યા બાદના દોઢ મહિને પણ જેટ પેચર મશીનથી ખાડાઓ પૂરવાનું છે.

આ માટે અંજલી રોડ પેચર્સના રૂ.૭૬.૯૦ લાખના ટેન્ડર અને ટેન્ડર આધારિત રૂ.૭૮.૪૪ લાખના અંદાજને બહાલી અપાઇ હોઇ આ સઘળી દરખાસ્ત આગામી ર૪ ઓક્ટોબરે બપોરે ૧ર-૦૦ વાગ્યેે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જે તેે નિર્ણય કરવા મુકાઇ છે.

You might also like