શહેરના તમામ ઝોનમાં રસ્તાનું ધોવાણ!

અમદાવાદ: તાજેતરમાં મેયર ગૌતમ શાહ અને રોડ-બિલ્ડિંગ કમિટીના ચેરમેન જતીન પટેલ દ્વારા જુદા જુદા વોર્ડમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને હલકી ગુણવત્તાના રોડના મામલે જવાબદાર કોન્ટ્રાકટરોને આ રોડ ફરીથી બનાવવાના આદેશ અપાઇ રહ્યા છે. પરંતુ શહેરીજનો માટે આઘાતજનક બાબત તો એ છે કે, શહેરના તમામ ઝોનમાં રસ્તાનું ધોવાણ થયું હોઇ ભાજપના સત્તાધીશોની સરપ્રાઇઝ વિઝિટની અસરકારકતા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

તાજેતરમાં કમિશનર મુકેશકુમારની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની અઠવાડિક બેઠક મળી હતી. આ બેઠકમાં મુકેશકુમારે ચોમાસાની ઋતુમાં ધોવાયેલા રસ્તાના મામલે તમામ ઝોનના ઇજનેર વિભાગ તેમજ રોડ પ્રોજેકટ વિભાગના અધિકારીઓનો ઊધડો લીધો હતો. મુકેશકુમારે હલકી ગુણવત્તાના કારણે શહેરના તમામ ઝોનમાં રસ્તાઓનું ધોવાણ થઇને મોટા મોટા ખાડા પડ્યા હોવાનું સોય ઝાટકીને કહેતા કાપો તો લોહી ના નીકળે તેવી કફોડી હાલતમાં અધિકારીઓ મુકાઇ ગયા હતા. એક ઉચ્ચ અધિકારી કહે છે કે કમિશનર સાહેબે અમને તમામ ધોવાયેલા રસ્તાઓના પેચવર્ક અને રિસરફેસિંગની કામગીરી તત્કાળ શરૂ કરવાની કડક તાકીદ કરી છે.

દરમ્યાન મ્યુનિ. વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશ શર્મા કહે છે, “રોડ પ્રોજેકટ કે ઝોન લેવલે થતા રોડના કામોમાં મોનિટરિંગ અને સુપરવિઝનની કામગીરી નબળી અને સૌથી હલકી કક્ષાની હોવાના કારણે ટેન્ડર સ્પે‌િસફિકેશન મુજબ મટીરિયલની ગુણવત્તા જળવાતી નથી. પરિણામે થોડા જ વરસાદમાં રોડ ધોવાઇ જાય છે.

રોડની ચાલુ કામગીરી દરમ્યાન તેના વિવિધ તબક્કાઓમાં વપરાઇ રહેલી સામગ્રી, તેનું પ્રમાણ, તેની જાડાઇની કામગીરી ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ થાય છે કે કેમ તેની સતત ચકાસણી થવી જોઇએ. આ માટે ખાસ યુનિટ બનાવીને કામગીરીના જુદા જુદા તબક્કા દરમ્યાન તેના નમૂના, માપણી અને મટીરિયલ ચકાસીને આગળના તબક્કાની કામગીરી શરૂ કરવી જોઇએ. રોડના કામગીરીના દરેક તબક્કાનો પ્રોગ્રેસ રિપોર્ટ જે તે ઝોનના કે રોડના પ્રોજેકટના ડેપ્યુટી મ્યુનિ. ‌કમિશનરને સુપ્રત કરવાે જોઇએ.

તાજેતરમાં કોર્પોરેશન દ્વારા રૂ. દસ લાખ કરતા વધારે રકમના કામો માટે ક્વોલિટી કંટ્રોલ વિભાગનું ગઠન કરાયું છે. પરંતુ તેમાં “ઘરના ભૂવા અને ઘરના ડાકલા” જેવું જ છે ! આના કારણે રોડની ચાલુ કામગીરી દરમ્યાન તબક્કાવાર પ્રોગ્રેસ રિપોર્ટની કોંગ્રેસની માગણી ઊઠી છે.

વિપક્ષના નેતાની રોડની કામગીરીની સરપ્રાઇઝ વિઝીટ પણ વિવાદાસ્પદ નીવડી છે. રોડના કામોના ભ્રષ્ટાચાર સબબ વિપક્ષના નેતાએ કમિશનર અને મેયર સુધી ફરિયાદ કરી હોવા છતાં તેનું નિરાકરણ આજ‌િદન સુધી કરાયું નથી તેવો આક્ષેપ પણ વિપક્ષ નેતાએ કર્યો છે.

You might also like