રોડનાં કામમાં ભ્રષ્ટાચારઃ જૂના ભાવનાં ૧૧ કામ પડતાં મુકાયાં

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનમાં રોડના કામોમાં ભ્રષ્ટાચાર અટકવાનું નામ લેતો નથી. તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની કોન્ટ્રાક્ટરો સાથેની મિલી ભગતથી કોર્પોરેશનની તિજોરીને એક અથવા બીજા પ્રકારનું આર્થિક નુકસાન તો થાય જ છે પરંતુ રોડની હલકી ગુણવત્તાથી નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તાજેતરમાં તંત્રે જૂના ભાવના તેર રોડનાં કામ કરવાને બદલે ફક્ત બે રોડનાં કામ ઝડપભેર આટોપીને અગિયાર કામોને પડતાં મુક્યાની હોવાની વિગત જાણવા મળી છે.

નવા પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડમાં પ્રાયોરિટીને ધોરણે સાઠ ફૂટથી નાના રોડ રિસરફેસ કરવાનું કામ ગત તા.૧૨ મે, ૨૦૧૬એ કોર્પોરેશનમાં ઠરાવ નંબર ૨૨૮થી મંજૂર કરાયું હતું. સ્વર્ણિમ વર્ષ ૨૦૧૫-૧૬ના બજેટ મુજબ વોર્ડ કમિટીમાં નક્કી થયા પ્રમાણે કુલ તેર રસ્તાનાં કામ કરવાનાં હતાં પરંતુ બે રસ્તાનાં કામ પૂરાં કરીને સત્તાવાળાઓએ રોડ માટેના નવા ભાવના ચીપિયા પછાડ્યા હતા.

જૂના એસઓઆર એટલે કે ભાવ મુજબ ક્યા બે રોડનાં કામ થયાં અને કેટલી રકમ ખર્ચાઈ, શા માટે તમામ તેર રસ્તાનાં કામ પૂર્ણ ન કરાયાં તેમ જ બાકી રહેલા અગિયાર રસ્તાનાં કામ માટે રૂ.૪.૧૩ કરોડનો રિવાઈઝ્ડ અંદાજ કેમ તૈયાર કરાયો? જે કામો પૂર્ણ થયાં નથી તે માટે કયા અધિકારીની જવાબદારી? નવો ભાવ વધારે હોઈ કોના લાભાર્થે આ રિવાઈઝ્ડ અંદાજ તૈયાર કરાયો? વગેરે અનેક પ્રશ્નનો તંત્ર પાસે કોઈ ઉત્તર જ નથી! બીજી તરફ પહેલા રોડ- બિલ્ડિંગ કમિટીમાં તેમ જ બાદમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં નવા એસઓઆર મુજબના રિવાઈઝ્ડ અંદાજને લીલી ઝંડી આપીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન જ આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

You might also like