રસ્તાઓનાં થાગડથીગડનું રૂ.૩રપ કરોડનું નાટક સાતમ પછી ભજવાશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરભરના ઊબડખાબડ રસ્તાઓને દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે ચોમાસા બાદ રાબેતા મુજબનાં થીંગડાં મારવામાં આવે છે. જો કે સત્તાવાળાઓએ ભ્રષ્ટાચારથી ખદબદતી આ કામગીરીને રોડ રિસરફેસિંગનું એવું રૂડું રૂપાળું નામ આપ્યું છે. આ વખતે પણ તંત્ર રૂ.૩રપ કરોડનું આંધણ રોડ રિસરફેસિંગ પાછળ કરશે. જો કે નધરોળ તંત્રના કારણે નાગરિકોને સાતમ પછી એટલે કે સોમવારથી આ કામોનો ધમધમાટ જોવા મળશે.

રોડ રિસરફેસિંગ કામગીરીમાં કોન્ટ્રાકટરો દ્વારા નકરી વેઠ ઉતારવામાં આવે છે. ભાગ્યે જ રોડનું લેવલિંગ કરવામાં આવે છે. રોડ પર રોલર ફેરવવામાં જ નથી આવતું. રસ્તાના જે ભાગ પર ટેકરો કે જ્યાં ખાડો હોય ત્યાં તેને સમથળ કરવાની જહેમત કર્યા વગર ડામર થર પાથરી દેવાય છે. આ ડામરના થર નીચે મેનહોલ-કેચપીટ દબાઇ જાય છે.

હલકી ગુણવત્તાના રોડનું મુખ્ય કારણ ખાયકી છે. ૪૦ ટકા સુધીનો જબ્બર ભ્રષ્ટાચાર થાય છે. શાસક પક્ષના એક ટોચના હોદ્દેદાર જ નામ ન છાપવાની શરતે આની કબુલાત કહે છે. મેયર ગૌતમ શાહ રોડનાં કામોની ગુણવત્તા ચકાસવા સરપ્રાઇઝ વિઝિટ કરીને કોન્ટ્રાકટરો તેમજ અધિકારીઓને શો કોઝ નોટિસ પાઠવે છે. મેયરની આવી સરપ્રાઇઝ વિઝિટથી કોન્ટ્રાક્ટરો સાથે તંત્ર અને લાગતા વળગતા ભાજપના હોદ્દેદારોની મિલી ભગતની પોલ ખૂલી ગઇ છે.

તાજેતરમાં કોર્પોરેશન દ્વારા દશ લાખથી વધારે રકમનાં કામો માટે ક્વો‌િલટી કંટ્રોલ વિભાગનું ગઠન કરાયું છે, પરંતુ તંત્રના અધિકારીઓ દ્વારા જ ચકાસણી થવાની હોઇ ક્વો‌િલટી કંટ્રોલ વિભાગની અસરકારકતા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. પરિણામે આગામી સાતમથી હાથ ધરાનારાં રોડ રિસરફે‌િસંગનાં કામો પણ નબળી ગુણવત્તાનાં થઇને ચોમાસાના સામાન્ય વરસાદમાં રોડ ધોવાઇ જવાના, બેસી જવાના, ગાબડાં પડવાના અસંખ્ય કિસ્સાઓ પણ રાબેતા મુજબ થતા રહેશે!

You might also like