વસ્ત્રાપુર ગામથી IIM બ્રિજ સુધીનો રોડ ફરીથી દબાણગ્રસ્ત બન્યો

અમદાવાદ: વસ્ત્રાપુર ગામથી આઇઆઇએમબ્રિજ સુધીના ૪ર૦ મીટર લાંબા રસ્તા પરના વર્ષોજૂના દબાણને હટાવીને તેને ખુલ્લો કર્યાને હજુ મહિનો પણ થયો નથી અને ફરીથી નવાં દબાણ થયાની ફરિયાદ ઊઠી છે.

વસ્ત્રાપુરના બોટલનેક રોડને એકસરખો ૭૦ ફૂટ ખુલ્લો કરવાની તંત્રની કામગીરીમાં ૧૪ દુકાન સિવાય અન્ય અસરગ્રસ્તો દ્વારા સ્વેચ્છાએ દબાણ હટાવાયાં હતાં. છેલ્લે છેલ્લે સત્તાવાળાઓએ સિટી સિવિલ કોર્ટમાંથી નોટિસ ઓફ મોશન નીકળતાં ૧૪ દુકાનના અસરગ્રસ્તોને દુકાનમાંથી માલસામાન બહાર કાઢવાનો સમય આપ્યા વિના તેને જમીનદોસ્ત કરી હતી.

જોકે ગઇ કાલે સાંજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં રસ્તા પરનો દબાણનો કાટમાળ ઉપાડાયો ન હોઇ વાહનચાલકો પરેશાન થતા હોવાની ભાજપના સભ્યોએ રજૂઆત કરી હતી. આ ઉપરાંત રસ્તા પર નવેસરથી દબાણ ઊભાં થયાં હોઇ તે માટે પણ સભ્યોએ રોષ વ્યક્ત કર્યો હતો.

આ રસ્તા પર ડામરના બદલે આરસીસીનો રોડ બનાવવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે. આરસીસી રોડના કામ માટે ત્રણ ટેન્ડર ભરાયાં હોઇ તે પૈકી લોએસ્ટ ટેન્ડરરનું ટેન્ડર આગામી રોડ-બિલ્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મૂકવાની કવાયત હાથ ધરાઇ છે, જોકે આરસીસી રોડનું કામકાજ ચોમાસા વખતે પણ ચાલતું રહેશે.

ભાજપના સત્તાધીશોએ તો ચોમાસા પહેલાં આરસીસીનો રોડ તૈયાર થઇ જશે તેવા દાવા કર્યા છે, પરંતુ જાણકાર સૂત્રો કહે છે, આટલી ઝડપથી આરસીસીનો રોડ બનાવવાનું શકય નથી, જોકે વરસતા વરસાદમાં આરસીસી રોડનું કામ અટકતું નથી એટલે ચોમાસામાં પણ આ કામ ચાલતું રહેશે. અલબત્ત, આના કારણે વાહનચાલકો ચોક્કસ હેરાન-પરેશાન થશે.

You might also like