રસ્તો ક્રોસ કરતા યુવકને બેફામ સ્પીડે જતી બાઈકે ઉડાવ્યો

અમદાવાદ: શહેરમાં વાહનચાલકો બેફામ બન્યા છે. આવા વાહનચાલકો સામે પોલીસ પણ લાચાર બનીને બેસી રહી છે. ર‌િખયાલ વિસ્તારમાં આવેલ સુખરામનગર ખાતે પુરઝડપે અને બેફામ રીતે પસાર થઇ રહેલા બાઇકચાલકે એક યુવકનો ભોગ લીધો છે. ગઇ કાલે યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે બાઇકચાલકે તેને અડફેટમાં લઇને અકસ્માત સર્જ્યો હતો, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે રહેતા મહેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ વાઘેલાએ ર‌િખયાલ પોલીસ સ્ટેશનમાં બાઇકચાલક વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. મહેન્દ્રસિંહના સાઢુ બલભદ્રસિંહ અશોકસિંહ જાડેજા (રહે. સાણંદ) અમરેલી ‌િજલ્લામાં આવેલ કોન્ડોર ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. બલભદ્રસિંહ સાણંદથી રોજ ગેસના ‌િસ‌િલન્ડર ભરીને અમદાવાદ કેરોલ ગેસ એજન્સીમાં ખાલી કરવા માટે સવારે આવે છે. ગઇ કાલે રખિયાલ વિસ્તારમાં આવેલ સુખરામનગર પાણીની ટાંકી પાસે બલભદ્રસિંહ રોડ ક્રોસ કરતા હતા તે સમયે બાઇકચાલકે તેમને અડફેટમાં લીધા હતા.

બલભદ્રને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સથી એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે બલભદ્રસિંહને માથાના ભાગે ઇજા પહોંચતાં તેમને એલ.જી.હોસ્પિટલથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ર‌િખયાલ પોલીસે આ કેસમાં બાઇકચાલક વિરુદ્ધમાં બેદરકારીથી વાહન ચલાવવા બદલ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ર‌િખયાલ પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતાં બાઇક પર બે કરતાં વધુ લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે.
http://sambhaavnews.com/

You might also like