વાહન અકસ્માતોમાં નવ વ્યક્તિનાં કમકમાટીભર્યાં મોતઃ ચારને ગંભીર ઈજા

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઈવે પર બનેલી માર્ગ અકસ્માતોની ઘટનામાં નવ વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે ચારને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે. પોલીસે અા અંગે અકસ્માતે મોતના ગુના દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે ભાવનગર-ધોલેરા રોડ પર પીપડી ગામ પાસે બે ટ્રક વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત સર્જાતાં બંને ટ્રક ડ્રાઈવર અને એક ક્લીનરનાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બોટાદના ગઢડા નજીક ઝિજાવદર ગામે ટ્રેક્ટર પલટી ખાઈ જતાં સુનીલ ભીલ અને મંજીભાઈ નામની બે વ્યક્તિના ટ્રેક્ટર નીચે દબાઈ જવાથી મોત થયા હતા તેમજ બોટાદ-પાળિયાદ રોડ પર ડમ્પરે એક બાઈકને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતા બાઈકસવાર રાયસંગ બાવળિયા અને મનસુખ કોળી નામના બંને યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

અા ઉપરાંત કપડવંજ-મોડાસા રોડ પર ડમ્પરની અડફેટે અાવી જતાં બાઈકસવાર યાજ્ઞિકભાઈ નામના યુવાનનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું જ્યારે એક યુવાનને ગંભીર ઈજા થઈ હતી તેમજ હાલોલ-વડોદરા ટોલ રોડ પર અાનંદપુરા બસસ્ટેન્ડ પાસે છકડા અને ટ્રક વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત થતાં એક કિશોરનું મોત થયું હોવાનું જાણવા મળે છે.

You might also like