માર્ગ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ સહિત સાતનાં મોત

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઈવે પર બનેલા માર્ગ અકસ્માતના બનાવમાં બે વિદ્યાર્થીઓ સહિત સાત વ્યક્તિનાં મોત થયાં હતાં. પોલીસે અા અંગે અકસ્માતના ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અા અંગેની વિગત એવી છે કે વડોદરા રેલવે સ્ટેશન પાસેથી ગઈ મોડી રાતે બે વિદ્યાર્થીઓ સંશાત વિનોદભાઈ શર્મા અને જોબનપ્રીતસિંહ એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા ત્યારે એક્ટિવા ડિવાઈડર પર ચઢી વીજ થાંભલા સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં બંને વિદ્યાર્થીનાં મોત થયાં હતાં. અંક્લેશ્વર-હાંસોટ રોડ પરથી પસાર થઈ રહેલી કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાતાં થયેલા અકસ્માતમાં ભરૂચનાં દર્શનાબહેન જોષીનું મોત થયું હતું.

અા ઉપરાંત અાણંદના રહીશ ઈનાયતખાન પઠાણ તેના મિત્રો સાથે કારમાં અજમેર દર્શને ગયા હતા. અજમેરથી પરત ફરતી વખતે અમદાવાદ-ઈડર હાઈવે પર પ્રાંતીજ નજીક કારના ચાલકે કાબૂ ગુમાવતાં કાર પલટી ખાઈ ગઈ હતી. અા અકસ્માતમાં ઈનાયતખાન અને તેના મિત્ર મોન્ટુ અા બંનેનાં મોત થયાં હતાં જ્યારે ત્રણને ઈજાઓ પહોંચી હતી.

ઈડર રોડ પર પત્ની સાથે બાઈક પર પસાર થઈ રહેલ અરવિંદભાઈ પટેલને ટ્રકે અડફેટે લેતાં તેમના પત્ની ચંદ્રિકાબહેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અરવિંદભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પાલનપુર રોડ પર મલાણા ગામ નજીક ટેન્કરે બાઈકને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં ગોવિંદ પ્રતાપજી વણજારાનું મોત થયું હતું. પોલીસ અકસ્માતે મોતના ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like