માર્ગ અકસ્માતોની વણજારઃ બે માતા, બે પુત્રી, પિતા-પુત્ર સહિત દસનાં મોતઃ નવથી વધુને ઈજા

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઈવે પર બનેલા માર્ગ અકસ્માતના બનાવમાં કુલ દસ વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે નવથી વધુ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા.

અા અંગેની વિગત એવી છે કે પ્રાંતિજ માર્કેટિંગ યાર્ડ પાસે રોડ ક્રોસ કરી રહેલ કમળાબહેન ભીલ અને તેની છ વર્ષની માસૂમ પુત્રી પૂજાનું કોઈ અજાણ્યા વાહનની અડફેટે અાવી જતાં મોત થયું હતું જ્યારે સુરેન્દ્રનગરના ટાવર રોડ પરથી પુરઝડપે પસાર થઈ રહેલી અાઈસર ટ્રકે બુલેટને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં સુમિત્રાબહેન અને તેની માસૂમ પુત્રી ધ્વનિનું મોત થયું હતું.

અમરેલી બાબરા રોડ પર ચમારડી નજીક ટ્રકે બાઈકને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં છગનભાઈ સોમાભાઈ સાગઠિયા અને તેમના પુત્ર સંજયનું ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે મોત થયું હતું.

તારાપુર નજીક અાવેલા ઈંદ્રણજ ગામના રહીશ લખુભા મોહબતસિંહ રાઓલ પીઅાગો રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સવારે રાબેતા મુજબ કસબારાથી પેસેન્જર ભરી લખુભા રિક્ષા લઈ ફતેહપુરા તરફ જઈ રહ્યા હતા ત્યારે તારાપુર-વટામણ રોડ પર કસબારા નજીક જ પાછળથી પૂરઝડપે અાવેલી તુફાન જીપે રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં બેઠેલાં મુસાફરો રોડ પર ફંગોળાયા હતા અને રિક્ષાનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. અા ઘટનામાં રિક્ષામાં બેઠેલ ત્રણ મુસાફરના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે ચારને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા.

અા ઉપરાંત ઊંઝા-પાટણ રોડ પર સીહી ગામ નજીકથી પૂરઝડપે પસાર થઈ રહેલી સ્કોર્પિયો ગાડીએ બાઈકને અડફેટે લેતા ઊંઝા નજીક અાવેલા સુરજ ગામના પીતાંબર રતનભાઈ વ્યાસ અને રામાભાઈ નામની બે વ્યક્તિનાં ગંભીર ઈજા થવાના કારણે મોત થયાં હતાં. અને ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી.

મોડાસા-ધનસુરા હાઈવે પર અાલમપુર ગામના પાટિયા પાસે મોડી રાતે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. જેમાં દીપકપુરી ગોસ્વામી નામની વ્યક્તિનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે પાંચ વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પોલીસે અા અંગે અકસ્માતે મોતનાં ગુના દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like