માર્ગ અકસ્માતમાં બે મિત્રો સહિત ચાર યુવાનોનાં કમકમાટીભર્યાં મોત

અમદાવાદ: અમરેલી-ધારી રોડ પર ૨૪ કલાક દરમિયાન બનેલા ત્રણ વાહન અકસ્માતના બનાવોમાં બે જિગરજાન મિત્રો સહિત ચાર યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજતા અા પંથકમાં અરેરાટી ફેલાઈ છે. અમરેલી નજીકના કુકાવાવ પાસે અાવેલા સૂર્યપ્રતાપગઢના બે જિગરજાન મિત્રો ચેતન વઘાસિયા અને સચીન લાંગણોજા બાઈક ઉપર અમરેલી-ધારી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એસટી બસની અડફેટે બાઈક અાવી જતાં બંને મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના સારવાર મળતા પહેલા જ મોત થયા હતા. અા બંને મિત્રોએ અમરેલીમાં નવો શો-રૂમ લીધો હોય શો-રૂમનું કલરકામ કરાવી પરત ફરતા હતા ત્યારે અા ઘટના બની હતી.

જ્યારે અા જ રોડ પર સમઢિયાળા ગામના રહીશ બે યુવાનો બાઈક પર સમઢિયાળાથી ધારી તરફ જતા હતા ત્યારે સામેથી પૂરઝડપે અાવી રહેલી બોલેરો જીપે બાઈકને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતાં અા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને યુવાનોના ગંભીર ઈજા થવાના કારણે સારવાર દરમિયાન મોત થયા હતા.

અા ઉપરાંત અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ અાત્મારામ પટેલ પોતાની ગાડી લઈ ડેડીયાપાડા ગયા હતા. ત્યારબાદ નેત્રંત નજીક રોડ પર અાવેલી હોટલમાં જમ્યા પછી ચાલતાં પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પુરઝડપે અાવેલી બાઈકે તેને અડફેટે લેતાં મોત થયું હતું.

You might also like