ઘાટલોડિયાના જ્વેલરની અાંખ થોડી સેકન્ડ મિચાઈ અને દંપતીની અાંખ કાયમ માટે મિચાઈ ગઈ

અમદાવાદ: શહેરના શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે ગત મોડી રાતે આઈ-ટેન કારચાલકની આંખ મિચાઈ જતાં ફૂટપાથ પર સૂતેલા મજૂર દંપતીની આંખ હંમેશ માટે મિચાઈ ગઈ હતી. ઘટનામાં નાની બાળકી સ‌િહત છ લોકોને ઈજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા અને કાર નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.નારણપુરા પોલીસે કારચાલક જ્વેલરની ધરપકડ કરી છે. અકસ્માતમાં દંપતીનું મોત નીપજતાં ત્રણ બાળકીઓ અનાથ બની ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના શાસ્ત્રીનગર ચાર રસ્તા નજીક મુખ્યમંત્રી આવાસ યોજના પાસે આવેલી ફૂટપાથ પર ફુગ્ગા વેચવાનો અને માટલાં બનાવવાનો ધંધો કરતા શ્રમિકો મજૂરીએથી આવીને સૂતા હતા ત્યારે રાતે એકાદ વાગ્યે આઈ-ટેન કાર આવી અને ફૂટપાથ તથા રોડ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પાંચ લોકો કારની નીચે ફસાઇ ગયા હતા. ઘટના બનતાં સ્થાનિક લોકોનું ટોળું ભેગુ થઇ ગયું હતું અને નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘટના બનતાં રોડ પર શ્રમિકોનો સામાન વેરવિખેર થઇ ગયો હતો. શ્રમિક ભગાભાઇ હીરાભાઇ મારવાડી (ઉં.વ.40) અને તેમનાં પત્ની લક્ષ્મીબહેન ભગાભાઇ મારવાડી (ઉં.વ.35)નાં ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસને જાણ કરાતાં નારણપુરા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અકસ્માત બાદ કારચાલક ત્યાં જ ઊભો રહ્યો હતો.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ કાર પુરઝડપે આવી હતી અને સ્ટયરિંગ પર કાબૂ ન રહેતાં ફૂટપાથ પર સૂતેલા લોકોને અડફેટે લીધા. જોરદાર અવાજ આવ્યો અને ઘટનાની જાણ થઇ હતી. કારચાલક આરોપી નીરવ શાહ (ઉ.વ.31-રહે. ગૌરવ ટાવર, પ્રભાતચોક, ઘાટલોડિયા) હોવાનું જાણવા મળ્યું હતું .નીરવભાઈ રાણીપમાં જ્વેલર્સની દુકાન ધરાવે છે. કાર ચલાવતાં તેને ઝોકું આવી જતાં તેનો કાર પર કાબૂ ન હતો રહ્યો અને કાર ફૂટપાથ પર ચડી ગઈ હતી. અકસ્માત બાદ અન્ય કારચાલકની જેમ નાસી જવાની જગ્યાએ નીરવ ત્યાં જ ઊભો રહ્યાે હતાે. 30 જાન્યુઆરીએ નીરવના કાકાની પુત્રીનો દીક્ષા સમારંભ હતો ત્યાં તેઓ ગયો હતો. નીરવ કાર લઇ સુરત ગયો હતો અને ગત રાતે સુરતથી આવી તેના પિતરાઈ ભાઇને નરોડા ઉતારીને ઘરે પરત ફરતાે હતાે ત્યારે ઘટના બની હતી.

ઉલ્લેખનીય છે કે શહેરમાં મોડી રાતે પુરપાટ ઝડપે વાહન ચલાવીને અકસ્માતના બનાવ વધી રહ્યા છે. ખાસ કરીને ફૂટપાથ પર સૂતેલા લોકો આવા બેકાબૂ કારચાલકના ભોગ બનતા હોય છે.
http://sambhaavnews.com/

You might also like