ફાજલપુર નજીક માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં બાદ લોકો વિફર્યા

અમદાવાદ: અમદાવાદ-વડોદરા હાઈવે પર ફાજલપુર નજીક ૨૪ કલાકમાં થયેલા બે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત થયાં બાદ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોકોનાં ટોળાંઓએ રોડ પર અાવી જઈ ટ્રાફિક ચક્કાજામ થઈ જતાં અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

અા અંગેની વિગત એવી છે કે અમદાવાદ-વડોદરા હાઈવે પર ફાજલપુર નજીક કોઈ અજાણ્યા કારચાલકે બાઈકને અડફેટે લેતાં એક મહિલાનું મોત થયું હતું. અકસ્માત બાદ કારચાલક નાસી છૂટ્યો હતો. અા ઘટનાના છ કલાક બાદ અા જ સ્થળે વાસદ ગામના રહીશ ૩૦ વર્ષના એક યુવાનનું અજાણ્યા વાહનની અડફેટે ઘટનાસ્થળે જ મોત થયું હતું.

૧૨ કલાકમાં બનેલી અા બે ઘટનાને કારણે અાજુબાજુના ગામના લોકો વિફર્યા હતા અને ટોળાંએ રોડ પર અાવી જઈ નાળું બનાવવાની માગણી સાથે દેખાવો કરી ટ્રાફિક ચક્કાજામ કરી દીધો હતો. લોકોનાં ટોળાં રોડ ઉપર ધસી અાવ્યાં હોય રોડ પરથી પસાર થતાં વાહનચાલકો ભયના કારણે ઊભા રહી ગયા હતા અને અમદાવાદ-વડોદરા હાઈવે પર બંને તરફ ચાર ચાર કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી. જેના કારણે અનેક વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલાએ તાબડતોબ પહોંચી જઈ ભારે જહેમત બાદ ટ્રાફિક રાબેતામુજબ કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like