દહેજ-ભરૂચ રોડ પર કાર-ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત

અમદાવાદ: દહેજ-ભરૂચ રોડ પર અાજે વહેલી સવારે કાર અને ખાનગી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ એન્જિનિયરો સહિત ચાર વ્યક્તિના ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા. અા ઘટનાને પગલે દહેજ રોડ પર લોકોના ટોળેટાેળા એકઠા થયા હતા અને ભારે અરેરાટી ફેલાઈ હતી.

દહેજ ખાતે અાવેલી રિલાયન્સ થર્મેક્સ કંપનીમાં ફરજ બજાવતા ત્રણ એન્જિનિયર ગઇ રાતે દહેજ કંપનીમાં ફરજ પર અાવ્યા હતા. નાઈટ ડ્યૂટી પતાવી અા ત્રણેય એન્જિનિયરો કંપનીની ઈન્ડિગો કારમાં ભરૂચ જવા નીકળ્યા હતા.  અા કાર દહેજ-ભરૂચ રોડ પર નવેઠા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે પાછળના ભાગેથી કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારતા કાર ડિવાઈડર કૂદીને સામેથી અાવી રહેલી એક ખાનગી બસ સાથે કાર અથડાતાં જોરદાર ધડાકા સાથે અા અકસ્માત સર્જાયો હતો. અા ઘટનામાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને કારમાં બેઠેલા ત્રણ એન્જિનિયરો પરષોત્તમ સ્વાઈન (રહે મૂળ ઓરિસા, હાલ રહે. અાદિલ બંગલો, દહેગામ), રાજેશકુમાર (રહે. મૂળ ઝારખંડ, હાલ જાડેશ્વર સાંઈ મંદિર, દહેગામ), રાહુલ શ્રીવાસ્તવ (રહે. મૂળ રહે. મધ્યપ્રદેશ, હાલ અાદિલ બંગલો, દહેગામ) અને ડ્રાઈવર નૂરુદ્દીન ઈકબાલ દિવાન (રહે. કરજણ)ના ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા.

વહેલી સવારે સાત વાગ્યે બનેલી ઘટનાને પગલે અાજુબાજુના રહીશોએ તાત્કા‌િલક અાવી પહોંચી અા અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે તાબડતોબ પહોંચી જઈ ચારેય લાશોને પીએમ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં મોકલી અાપી હતી. એકસાથે ત્રણ એન્જિનિયરોના અકસ્માતમાં મોત થતાં કંપનીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અા બનાવમાં ખાનગી બસમાં બેઠેલા કેટલાક મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

You might also like