માર્ગ અકસ્માતમાં ત્રણ મજૂર અને વાડજનાં સાસુ-જમાઇનાં મોતઃ ચારને ગંભીર ઇજા

અમદાવાદ: આટકોટ બાયપાસ માંડલ રોડ અને લખતર નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કુલ સાત વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે ૧૪થી વધુને ગંભીર ઇજા પહોંચી હતી. જસદણ-આટકોટ બાયપાસ પાસે ગઇકાલે સાંજે પેસેન્જર ભરેલી રિક્ષા અને બોલેરો જીપ વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત સર્જાતા ત્રણ પરપ્રાંતીય મજૂરોના ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ચાર મજૂરોને ગંભીર ઇજા થઇ હતી.

જ્યારે માંડલ રોડ પર એન્ડલા ગામ પાસે ગઇ રાત્રે રોડ પર પસાર થઇ રહેલ કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદના જૂના વાડજ ખાતે રહેતાં સાસુ-જમાઇ હીરાબહેન અરજણભાઇ સોલંકી, અને આલજી દેવજી વાઘેલા બંનેનાં ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે મોત થયાં હતાં. જ્યારે બેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

સુરેન્દ્રનગર-લખતર રોડ પર કડુ ગામ પાસેથી પસાર થઇ રહેલ એક જૈન યાત્રિકોની લકઝરી બસ પલટી ખાઇ જતાં સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે દસ યાત્રાળુઓને ઇજા પહોંચતા તમામને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. યાત્રાળુઓની બસ મુંબઇથી નીકળી શંખેશ્વર દર્શન કરી જૂનાગઢ તરફ જઇ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.
http://sambhaavnews.com/

You might also like