તારાપુર-ધર્મજ રોડ પર અકસ્માત, એક જ પરિવારની ત્રણ વ્યક્તિનાં મોત

અમદાવાદ: તારાપુર-ધર્મજ રોડ પર રેલવે ફાટક પાસે વહેલી સવારે ટ્રક, રિક્ષા અને ટ્રેક્ટર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતાં એક જ પરિવારની ત્રણ વ્યક્તિનાં ગંભીર ઈજા થવાના કારણે મોત થયાં હતાં.  ભાવનગરના ગઢડા ખાતે રહેતા રામાભાઈ છગનભાઈ ભૂવા તેમના પુત્ર અલ્પેશભાઈ, પૌત્ર નીલેશ અને કાકાના દીકરા રણછોડભાઈ અા ચારેય નવું ટ્રેક્ટર લઈને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે તારાપુર-ધર્મજ રોડ પર રેલવે ફાટક પાસેથી પુરઝડપે પસાર થઈ રહેલી ટ્રકે પ્રથમ મુસાફરો ભરેલી એક રિક્ષાને અડફેટે લીધી હતી ત્યારબાદ ટ્રેક્ટર સાથે અથડાતાં ટ્રેક્ટરના બે કટકા થઈ ગયા હતા. અા અકસ્માતમાં રામાભાઈ, અલ્પેશભાઈ અને નીલેશ અા ત્રણેયને ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. બનાવના જાણ થતાં પોલીસે તાત્કા‌િલક પહોંચી જઈ ઈજાગ્રસ્ત રિક્ષાચાલક સહિત ચારને સારવાર માટે ખસેડ્યા હતા. અા અકસ્માત બાદ ટ્રકચાલક નાસી છૂટ્યો હતો.

અા ઉપરાંત ધ્રાંગધ્રા-અમદાવાદથી પસાર થઈ રહેલી એક કાર દુદાપુર ગામ પાસે રોડ પર કૂતરું અાવી જતાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં એક એનઅારઅાઈ મહિલાનું મોત થયું હતું. જ્યારે પાંચ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગાંધીનગરથી દિવાળી મનાવવા કચ્છ જઈ રહેલા પટેલ પરિવારને અા અકસ્માત નડ્યો હતો. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like