માર્ગ અકસ્માતોમાં બે મહિલા સહિત છ વ્યક્તિનાં મોતઃ છને ગંભીર ઈજા

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઈવે પર સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં બે મહિલા સહિત છ વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે છ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે અા અંગે અકસ્માતે મોતના ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભરૂચના વાગરા ગામના સિંધા પરિવારના સભ્યો મારુતિ વાનમાં બેસી લોકાચારે જમ્મુસર તરફ જઈ રહ્યા હતા ત્યારે ટ્રકે મારુતિ વાનને ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં મનુબહેન ભીખાભાઈ સિંધા અને રંજનબહેન ભગવાનભાઈ સિંધા નામની બે મહિલાના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી.

ડેડિયાપાડા નજીક બે બાઈક સામસામે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં યોગેશ કાન્તિભાઈ વસાવા નામના યુવાનનું મોત થયું હતું જ્યારે બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અા ઉપરાંત અાણંદ બોરસદ રોડ પર ડભાસી નજીક કારચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક પર જઈ રહેલ જિતેન્દ્ર પટેલ નામના યુવાનનું મોત થયું હતું. વલસાડ રોડ પર પેટ્રોલપંપ પાસે ટેન્કરે બાઈકને ટક્કર મારતાં જય વસંતભાઈ ભાનુશાળી નામનો યુવાન મોતને ભેટ્યો હતો. જ્યારે ખેડા-નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર ટ્રકે બાઈકને અડફેટે લેતાં બાઈકસવાર પ્રવીણભાઈ પ્રતાપભાઈ પરમાર નામના યુવાનનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું.

You might also like