માર્ગ અકસ્માતમાં ત્રણ મિત્રો સહિત સાત વ્યક્તિનાં મોતઃ રર મુસાફરોને ગંભીર ઇજા

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઇવે પર બનેલા માર્ગ અકસ્માતોના બનાવોમાં ત્રણ જીગરજાન મિત્રો સહિત સાત વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા જ્યારે રર જણાંને ગંભીર ઇજા પહોંચતા તમામને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

આ અંગેની વિગત એવી છે કે દ.ગુજરાતમાં આવેલા ખેર ગામના વતની અજય વસંતભાઇ પટેલ, રાકેશ ભીખુભાઇ પટેલ અને વિશાલ બિપિનભાઇ પટેલ આ ત્રણેય મિત્રો રૂમાલા ગામે યોજાયેલા સંબંધીનો લગ્ન પ્રસંગ પતાવી બાઇક પર પરત ખેરગામ જઇ રહ્યા હતા ત્યારે બાઇક રોડની બાજુમાં ઝાડ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં આ ત્રણેય મિત્રોના ગંભીર ઇજા થતા મોત થયાં હતાં.

જ્યારે ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર બાવળ કાઠિયા ગામ પાસે ટ્રેકટર અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત થતાં ઇકો કારના ડ્રાઇવર વિઠ્ઠલભાઇ પટેલ અને કારમાં બેઠેલ અર્જુનભાઇ પટેલ નામના બે યુવાનોનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. જ્યારે સાત વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે તાત્કાલીક પહોંચી જઇ તમામ ઇજાગ્રસ્તો સારવાર માટે ખેડબ્રહ્માની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે આ અંગે અકસ્માતના ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બાલાસિનોર નજીક દાદાના મુવાડા પાસે લાડવેલ ચોકડી નજીક જાન લઇ જતા ટેમ્પોનું ટાયર ફાટતા ટેમ્પો પલટી ખાઇ ગયો હતો આ અકસ્માતમાં આશાબહેન વસાવા નામની મહિલાનું મોત થયું હતું જ્યારે ૧પ જેટલા જાનૈયાઓને ગંભીર ઇજા પહોંચતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
http://sambhaavnews.com/

You might also like