માર્ગ અકસ્માતમાં તબીબ સહિત નવનાં મોત

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઈવે પર બનેલા માર્ગ અકસ્માતના બનાવોમાં એક તબીબ સહિત નવ વ્યક્તિનાં મોત નીપજ્યા હોવાનું અને અાઠ જેટલી વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે. અા અંગેની વિગત એવી છે કે કોડિનાર નજીક અાવેલા વેલણ ગામે પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડો. રાજેન્દ્ર બારડ રાત્રીના સમયે બાઈક પર ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રોણાજ રોડ પર લાલપીરની દરગાહ પાસે કોઈ પશુ રોડ પર અાવી જતાં બાઈક તેની સાથે અથડાવાથી સર્જાયેલા અકસ્માતમાં ડો. બારડનું ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું.

જ્યારે સમીના ગોચનાદ ગામ નજીકથી પસાર થઈ રહેલ કારની અડફેટે અાવી જતાં બાઈકસવાર અાનંદ ચૌધરીનું મોત થયું હતું જ્યારે વિજય નામની વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. અાજ વિસ્તારમાં કણીજ પેટ્રોલપંપ પાસે એક ટ્રકની અડફેટે અાવી જતાં બાબુજી ગાંડાજી ઠાકોરનું મોત થયું હતું જ્યારે ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.
અંજાર-ભૂજ રોડ પર મોડી રાતે ટ્રક અને ટ્રેલર જોરદાર ધડાકા સાથે સામસામે અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં.

અંજારથી ત્રણ કિલોમીટર દૂર ભૂજ જતાં હાઈવે પર એન.કે. ફાર્મ નજીક ટ્રેલર અને ટ્રક વચ્ચે અા અકસ્માત સર્જાયો હતો. અા અકસ્માત થતા બંને ટ્રક ૩૦-૩૦ ફૂટ સુધી દૂર ફંગોળાઈ ગઈ હતી. અકસ્માતમાં બંને ટ્રકના ડ્રાઈવરના અને એક ક્લીનરનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે મોત થયું હતું. અા ઘટનાને પગલે સિમેન્ટની બોરીઓ અને કોલસી રોડ પર વિખેરાઈ પડતાં બંને તરફનો ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો લાગતા અનેક વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. પોલીસે અા અંગે ગુનો દાખલ કર્યો છે.

અા ઉપરાંત જામનગર-દ્વારકા રોડ પરથી કોઠા-વિસોતરી ગામના બે પિતરાઈ ભાઈઓ અરવિંદભાઈ ગોવાભાઈ ગોજિયા અને પ્રવીણભાઈ દેવાભાઈ ગોજિયા બાઈક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી પુરઝડપે અાવી રહેલા ટ્રકે પાયલ હોટલ નજીક બાઈકને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં અરવિંદનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે પ્રવીણનું ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે. અા ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને રોડ પરનો ટ્રાફિક કલાકો સુધી જામ થઈ ગયો હતો.

http://sambhaavnews.com/

You might also like