કડી નજીક ઉટવા-રાજપુર રોડ પર અકસ્માત, ટેન્કરે અડફેટે લેતાં બે સગા ભાઇ સહિત ત્રણનાં મોત

અમદાવાદ: કડી નજીક આવેલા ઉટવા-રાજપુર રોડ પર બનેલા ગમખ્વાર અકસ્માતનાં બનાવમાં બે સગા ભાઇ સહિત ત્રણ યુવાનોનાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યાં મોત નીપજતા અરેરાટીની લાગણી જન્મી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે, કડી નજીક આવેલ અલદેસણ ગામે રહેતા અને રાજપુર નજીક આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતાં સંજય રાવળ અને સુરેશ રાવળ નામના બે સગા ભાઇ તેમજ સંજય રઘાજી ઠાકોર નામના ત્રણ યુવાનો ગઇ રાત્રે નવ વાગ્યાના સુમારે નોકરી કરી બાઇક પર ત્રણ સવારી અલદેસણ ગામ જઇ રહ્યા હતા ત્યારે રાત્રીના ૯-૩૦ વાગ્યાના સુમારે ઉટવા-રાજપુર રોડ પર આવેલી ચોકલેટની ફેકટરી પાસેથી પુરઝડપે પસાર થઇ રહેલી ટેન્કરે બાઇકને અડફેટે લેતા ટેન્કરના ટાયર નીચે આવી જવાથી સગા ભાઇઓ સંજય અને સુરેશ તેમજ સંજયજી ઠાકોર નામના આ ત્રણેય યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ટેન્કરચાલકે અકસ્માત બાદ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાઇક ટેન્કરમાં ફસાઇ ગયું હતું અને ત્રણ કિ.મી. સુધી ઢસડાયું હતું આથી ટેન્કરચાલક નાસી છૂટવામાં સફળ થયો ન હતો. અકસ્માતના બનાવની ઘટનાના પગલે આજુબાજુના ગામના લોકો દોડી આવ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલીક પહોંચી જઇ ત્રણેય યુવાનોની લાશને પી.એમ. માટે કડીની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.

પોલીસે ટેન્કરચાલકની ધરપકડ કરી આ અંગે ગુનો દાખલ કર્યો હતો. એક સાથે બે સગા ભાઇનાં મોત થતાં નાના એવા અલદેસણ ગામમાં શોકની લાગણી છવાઇ હતી.

You might also like