ગાંધીધામ ભચાઉ રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

અમદાવાદ: ગાંધીધામ ભચાઉ રોડ પર ગઈ મોડી રાતે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં પ્રવાસ કરી રહેલ પાંચ પૈકી ત્રણ વ્યક્તિના ગંભીર ઈજા થવાનાં કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે બેને ગંભીર ઈજા પહોંચી હતી.

અા અંગેની વિગત એવી છે કે ગાંધીધામ ભચાઉ રોડ પર વર્ષાણા નજીક અમૂલ્યા કંપનીની સામે ગઈરાતે ટ્રક અને કાર સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં બેઠેલ ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં. જ્યારે બેને ગંભીર ઈજા થઈ હતી. મરનારનાં નામો જાણવા મળ્યાં નથી. સુરતમાં રિંગરોડ પર ઓવરબ્રિજ પાસે બાઈક સ્લિપ થતાં કુલદીપ નામના વિદ્યાર્થીનું મોત થયું હતું. જ્યારે સુરતના સચીન ઊના પાટિયા મેઈન રોડ પર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં એક યુવાનનું મોત થયું હતું.

અા ઉપરાંત નડિયાદ કપડવંજ રોડ પર મુવાડાના પાટિયા પાસેથી પૂરઝડપે પસાર થઈ રહેલ કારે રિક્ષાને અડફેટે લેતાં રિક્ષાચાલક વિપુલભાઈ ડાભીનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. જ્યારે મહુધા રોડ પરથી પસાર થઈ રહેલા બાઈકની બ્રેક ફેઈલ થતાં સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર જઈ રહેલ દંપતી પૈકી પત્નીનું નીચે પટકાતાં મોત થયું હતું. અાણંદમાં બોરસદ નજીક ટ્રકે એક્ટિવાને અડફેટે લેતાં નીરુબહેન નામની મહિલાનું મોત થયું હતું જ્યારે ભાલેજ ચોકડી પાસે કારની અડફેટે અાવી જતાં બાબુભાઈ કાળુભાઈ ભોઈનું મોત થયું હતું. અા ઉપરાંત જાંબુઘોડા વિશ્રામગૃહ પાસે ટેમ્પો પલટી ખાઈ જતાં વાઘસિંહ નાથુસિંહ બારિયાનું મોત થયું હતું જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે અા અંગે અકસ્માતના ગુના દાખલ કર્યા છે.

You might also like