માર્ગ અકસ્માતમાં પાંચનાં મોતઃ રિક્ષા ગટરમાં ખાબકતાં ૧૧ મહિલા ઘાયલ

અમદાવાદ:  રાજ્યના જુદા જુદા હાઈવે પર બનેલા માર્ગ અકસ્માતના બનાવમાં બે સગા ભાઈ સહિત પાંચ વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે નડિયાદ-મોડાસા રોડ પર રિક્ષા ગટરમાં ખાબકતાં ૧૧ મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અા અંગેની વિગત એવી છે કે થરાદ-મીઠા હાઈવે પર જિપ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં ટ્રેક્ટરમાં બેઠેલી શમદાબહેન કલાજી પટેલ નામની મહિલાનું મોત થયું હતું જ્યારે અમદાવાદ-પાલનપુર હાઈવે પર શેરપુરાના પાટિયા પાસે ટ્રેલરની અડફેટે અાવી જતાં હરેશભાઈ પરમાભાઈ રાઠોડ નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અા ઉપરાંત ભાવનગર મહુવા હાઈવે પર દેવડિયા ગામના પાટિયા પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં રિક્ષામાં બેઠેલ કિશનભાઈ ભૂપતભાઈ કોળી અને તેના સગા ભાઈ બુધાભાઈ સહિત ત્રણ વ્યક્તિના ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. નડિયાદ-મોડાસા રોડ પર વડથલ ગામના પાટિયા પાસે લોડિંગ રિક્ષા ગટરમાં ખાબકતા ૧૧ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે અા અંગે અકસ્માતના ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like