મોરબી પાસે કાર અકસ્માતમાં બે સગા ભાઇનાં મોત નિપજ્યા

અમદાવાદ: મોરબી શહેરની ભાગોળે રાત્રે મારુતિ અલ્ટો અને મારુતિ સ્વિફટ ધડાકાભેર અથડાઇ હતી. જેમાં અમદાવાદ નરોડા ખાતે રહેતાં બે સગા ભાઇઓનાં મોત નિપજયાં હતાં. બંને ભાઇઓ મિત્રને ત્યાં લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા. અમદાવાદના નરોડા ખાતે ભાર્ગવ શુકલ અને શૈલેષ શુકલ સહિત ત્રણ ભાઇઓ મોરબીમાં લગ્નમાં હાજરી આપવા જઇ રહ્યાં હતાં ત્યારે ત્રણેય મારુતિ અલ્ટો કારમાં સવાર હતાં. ત્યાં જ રાજકોટ તરફથી પૂરપાટ ઝડપે આવતી મારુતિ સ્વિફટ કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં બંનેનાં ઘટનાસ્થળે મોત નિપજયાં હતાં, જ્યારે સાથે રહેલો ત્રીજો ભાઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં બંનેનાં મોત નિપજતાં બંનેને પીએમ માટે ખસેડવામાં આવ્યાં હતાં. મૃતક ભાર્ગવ અને શૈલેષ શુકલના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અલ્ટોમાં સવાર ત્રણેય જણ મોરબીમાં મિત્રને ત્યાં લગ્નમાં જઇ રહ્યાં હતાં, પરંતુ લગ્નના દાંડિયા રાસમાં પહોંચે એ પહેલાં તેમને ગોઝારો અકસ્માત નડતાં ઘટનાસ્થળે મોત નિપજયાં હતાં.

You might also like