વાહન અકસ્માતમાં દરરોજ એક વ્યક્તિ મોતને ભેટે છે

અમદાવાદ: કાશ, મારી દીકરીએ હેલ્મેટ પહેરી હોત આ શબ્દો છે શાહઆલમ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવતીનાં માતા-પિતાનાં. શહેરના રસ્તા પર દરરોજ લાખો વાહનોની અવરજવર હોય છે. લાખોની સંખ્યામાં વાહનોની દોડધામમાં અકસ્માતના બનાવો સામાન્ય બને છે. પરંતુ શહેર ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી મળેલા આંકડા મુજબ દરરોજ એક વ્યકિત વાહન અકસ્માતમાં મોતને ભેટે છે. છેલ્લાં નવ મહિનામાં ૧૬૭૬ જેટલા વાહન અકસ્માતનાં બનાવો નોંધાયા છે. જેમાં ૩૮૦ લોકો મોતને ભેટ્યા છે. ગંભીર રીતે ઇજા પામેલા લોકોની સંખ્યા ૩૩૬ છે. જ્યારે ૯૪૦ લોકોને સામાન્ય ઇજાઓ થઇ છે.

શહેરમાં છેલ્લા એક મહિનામાં જો અકસ્માતની વાત કરીએ તો સૌથી વધુ અકસ્માતના બનાવો પૂર્વ વિસ્તારમાં બન્યા છે જેમાં સૌથી વધુ ‘જે’ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બનવા પામ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ દસ મહિનામાં થયેલા અકસ્માતમાં ‘જે’ ટ્રાફિકમાં જ ૭૬ લોકો મોતને ભેટ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા એવા ઇસનપુર, નારોલ, લાંભા, વટવા, મણિનગર, રામોલ વિસ્તારમાં અકસ્માતનું પ્રમાણ વધુ છે. ટ્રાફિક પોલીસનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ લોકોની બેદરકારી અને ખાસ હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતમાં લોકો મોતને ભેટ્યા છે. ગત મહિને સાબરમતી રિવરફ્રન્ટ ઉસ્માનપુરા ખાતે પણ એક અકસ્માતગ્રસ્ત કાર ઊભી હતી તેની પાછળ પૂરપાટ ઝડપે આવેલો એક બાઇકસવાર યુવક ઘૂસી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. શાહઆલમ નજીક પણ ડમ્પર નીચે આવી ગયેલ યુવતીઓએ હેલ્મેટ પહેરી ન હોઇ તેનું પણ મોત નિપજ્યું હતું.

અધિક પોલીસ કમિશનર (ટ્રાફિક) સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શહેરમાં અકસ્માતના બનાવો સૌથી વધુ લોકોની બેદરકારી અને હેલ્મેટ ન પહેરવાને કારણે અકસ્માત થાય છે.

You might also like