માતાના મઢે દર્શને જઇ રહેલા પરિવારને અકસ્માતઃ ચારનાં મોતઃ ત્રણને ઇજા

અમદાવાદ: કચ્છમાં આશાપુરા માતાજીના મઢે દર્શન કરવા જઇ રહેલા એક પરિવારને વલસાડ હાઇવે પર અકસ્માત નડતાં ચાર વ્યક્તિના ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ત્રણ વ્યક્તિને ઇજા થઇ હોવાનું જાણવા મળે છે. મુંબઇ ખાતે રહેતા કચ્છી પરિવારના સભ્યો કારમાં કચ્છ માતાજીના દર્શન કરવા જઇ રહ્યા હતા ત્યારે મોડી રાત્રે કાર ડિવાઇડર સાથે અથડાઇ રેલિંગ પર ચડી જતાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં બેઠેલા મૂકેશભાઇ મોટા, મિતલભાઇ અને અર્પિતનું અને એક બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે એક મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત દહેગામ-નરોડા હાઇવે પર ગઇ કાલે બપોરે બાઇક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે સાત વ્યક્તિને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં માર્યા ગયેલા અંબાલાલ મંગળદાસ સોલંકી નરોડા વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક પહોંચી જઇ તમામ ઇજાગ્રસ્તોને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

home

You might also like