સ્વામિનારાયણ મંદિરના સંતની કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતઃ બાળકનું મોત, ૬ને ગંભીર ઈજા

અમદાવાદ: નડિયાદ-પીપલગ રોડ પર સ્વામિનારાયણના મંદિરના એક સંતની કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં દોઢ વર્ષના એક બાળકનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે છ જેટલી વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે.

અા અંગેની વિગત એવી છે કે બોચાસણ સ્વામિનારાયણ મંદિરના સંત જયમંગળ સ્વામી નડિયાદ-પીપલગ રોડ પર કેનાલ પાસે અાવેલા યોગી ફાર્મમાં યોજાયેલી સત્સંગ સભા પૂરી કરી કારમાં બોચાસણ પરત ફરી રહ્યા હતા ત્યારે કાર ચાલક રાજેશ ચૌહાણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં નડિયાદ નજીક કેરિયાવી ગામ પાસે કાર ધડાકાભેર સામેથી અાવતી રિક્ષા સાથે અથડાતાં રિક્ષામાં બેઠેલ એક દોઢ વર્ષના બાળકનું મોત થયું હતું જ્યારે અન્ય છ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને નડિયાદના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. રિક્ષાને અડફેટે લીધા બાદ સંતની કાર ઝાડ સાથે અથડાઈ હતી. જોકે કારમાં બેઠેલ સંત સહિત તમામનો અાબાદ બચાવ થયો હતો.

અા ઉપરાંત સુરેન્દ્રનગર-મૂળી રોડ પર જસાપર ગામના પાટિયા પાસે અાજે વહેલી સવારે એક મિની લકઝરી બસ પલટી ખાઈ જતાં બસમાં બેઠેલા ૧૨ મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે. અા તમામ ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. પોલીસે અા અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like