અકસ્માતનો સિલસિલોઃ દંપતી, પિતા-પુત્ર સહિત નવનાં મોત

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઇવે પર અકસ્માતોનો સિલસિલો જારી રહેતા દંપતી, પિતા-પુત્ર સહિત નવ વ્યક્તિનાં મોત થયા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે, સાવલીમાં રહેતા રંગીતસિંહ ચૌહાણ અને તેમના પત્ની જયશ્રીબહેન બાઇક પર પાવાગઢથી દર્શન કરી પરત સાવલી તરફ આવી રહ્યા હતા ત્યારે હાલોલ રોડ પર કંબોલા ગામ પાસે સામેથી આવી રહેલી જીપના ચાલકે રોડ વચ્ચે નીલ ગાય આવી જતા સ્ટિયરિંગ પરના કાબુ ગુમાવ્યો અને જીપે બાઇકને ટક્કર મારતા ગામખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં દંપતીનું ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી હતી.

દેડિયાપાડાના ભાટપુર ગામે રહેતો નિલેશ અને તેની પત્ની પાર્વતી બાઇક પર વાગલખોડ અને ભિલોડ ગામ વચ્ચેથી પસાર થતા હતા ત્યારે સામેથી નરેશ જયસિંહ વસાવા અને તેનો નવ વર્ષનો પુત્ર નિહાલ બાઇક પર આવી રહેલા બાઇક સાથે અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા-પુત્ર નરેશ અને નિહાલનું ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે અન્ય ત્રણ જણાંને ગંભીર ઇજા પહોંચતા ત્રણેયને અંકલેશ્વરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જેમાંથી એકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત માલપુર-મોડાસા હાઇવે પર હોન્ડાના શો-રૂમ નજીકથી પસાર થઇ રહેલી ઇકો ગાડીના ચાલકે સામેથી બાઇક પર આવી રહેલા પુષ્પેન્દ્રસિંહ રાઠોડ અને કલ્પેશ પગીને અડફેટે લઇ ટક્કર મારતા બાઇક પર સવાર બંને યુવાનો ર૦ ફૂટ જેટલા અંતર સુધી ધસડાયા હતા અને બંનેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા બંનેના મોત થયા હતા. કારચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. ઘટનાના પગલે લોકોનાં ટોળેટોળાં ભેગા થયા હતા અને રોષ ભભૂકી ઊઠ્યો હતો.

તેમજ સુરતના હજીરા પોલીસ સ્ટેશનની બાજુમાં હજીરા બાયપાસ ચોકડી પાસે મોડી રાત્રે બેફામ ઝડપે જઇ રહેલા ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા જોરદાર ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં સોનુ અને વિરુ નામના બે યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. સોનુ એલ એન્ડ ટી કંપનીમાં અને‌ વિરુ એસ્સાર કંપનીમાં નોકરી કરતો હોવાનું અને બંને વાસવા ગામે રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે આ અકસ્માતોના બનાવો અંગે ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like