માર્ગ અકસ્માતોમાં કાકા-ભત્રીજા, સાળા-બનેવી સહિત ૧૩ વ્યક્તિનાં મોતઃ સાતને ગંભીર ઈજા

અમદાવાદઃ રાજ્યના જુદા જુદા હાઈવે પર બનેલા માર્ગ અકસ્માતોના બનાવમાં કાકા-ભત્રીજા, સાળા-બનેવી સહિત ૧૩ વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે સાત વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સુરત-ધુલિયા હાઈવે પર બારડોલી નજીક અાફવા ગામની સીમમાં બે બાઈક સામસામે અથડાતાં બાઈકસવાર કાકા-ભત્રીજાના ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયાં હોવાનું જાણવા મળે છે. જાફરાબાદ નજીક દુધાળા રોડ પર રિક્ષા પલટી ખાઈ જતાં સાળા-બનેવીના મોત થયાં હતાં જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. અા અકસ્માતમાં મૃત્યુ પામેલા નરસિંહભાઈ કાળાભાઈ અને જગાભાઈ સોંડાભાઈ બંને સાળો-બનેવી થતાં હતાં.

હિંમતનગર રોડ પર કાનડા ગામ નજીક એમ્બ્યુલન્સ વાન પલટી ખાઈ જતાં એક બાળક અને ખેમાભાઈ કચરાભાઈનું મોત થયું હતું. મહેસાણા બાયપાસ પાસે નુગર સર્કલ નજીક અાઈશર ગાડીએ સ્કૂટરસવાર બે યુવાનોને અડફેટે લેતાં મયંક ચૌધરી અને અક્ષય ચૌધરી બંનેના મોત થયાં હતાં. જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ભાવનગર-તાળેજા રોડ પર વર્તેજ ચોકડી પાસે ટ્રકની અડફેટે અાવી જતાં રાઘવભાઈ બાંભણિયા અને વિષ્ણુભાઈ ચૌહાણ નામની બે વ્યક્તિનાં મોત થયાં હતાં. ઉમરેઠમાં દામોદરવડ પાસે એક્ટિવા સ્લીપ થઈ જતાં રાજ્યસભામાં સાંસદ લાલસિંહ વડોદિયાની ભત્રીજી સોનુનું મોત થયું હતું. હાલોલ-પાવાગઢ રોડ પર ધનકૂવા ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે માસૂમ બાળકોનાં મોત થયાં હતાં જ્યારે દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે અા અંગે ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like