માર્ગ અકસ્માતમાં પિતા-પુત્ર, બે સગા ભાઇ સહિત આઠનાં મોત

અમદાવાદ: કચ્છમાં છેલ્લા બાર કલાક દરમ્યાન સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં પિતા-પુત્ર અને બે સગા ભાઇ સહિત છના મોત થયા હતા. જ્યારે ભરૂચ નજીકના અકસ્માતમાં પિતા-પુત્રનાં મોત થયા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બનાવની વિગત એવી છે કે, કચ્છના નખત્રાણા નજીક આવેલ વિગોડી ગામ પાસે કારે બાઇકને ટક્કર મારતા થયેલા અકસ્માતમાં મૂળજીભાઇ મગનભાઇ વાલ્મિકી, જીગુભાઇ મૂળજીભાઇ વાલ્મિકી અને લવજીભાઇ નામની વ્યકિતનાં ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે જ મોત થયા હતા. મૂળજીભાઇ તેના પુત્ર અને કૌટુંબિક ભાઇ સાથે માતાના મઢથી દર્શન કરી પરત આવતા હતા ત્યારે અા ઘટના બની હતી. આ ઘટનાના પગલે રોડ પરનો ટ્રાફિક કલાકો સુધી જામ થઇ જતા બંને તરફ વાહનોની કતારો લાગી ગઇ હતી.

તેમજ કચ્છમાં સામખિયાળી-આડેશર રોડ પર ટ્રેલરે બાઇકને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતા બાઇકસવાર દયાલભાઇ જીવાભાઇ કોલી (ઉ.વ.૩૦) અને તેનો ભાઇ હરેશ (ઉ.વ.રપ) બંને ભાઇઓ રોડ પર પટકાતા ગંભીર ઇજા થવાથી બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ બંને ભાઇઓ પોતાના ગામ ટીડલવાથી કોઇ સંબંધીને ત્યાં લગ્નપ્રસંગે જવા નીકળ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જ્યારે સામખિયાળી બ્રિજ પર ટ્રકની અડફેટે આવી જતા એક અજાણ્યા રાહદારીનું મોત થયું હતું.

આ ઉપરાંત અંકલેશ્વરના બોરભટ્ઠા બેટ ગામે રહેતા હસમુખભાઇ બુધાભાઇ તેમના પત્ની અને આઠ વર્ષના પુત્ર સાથે બાઇક પર ભરુચ નજીક આવેલા મકતમપુરામાં લગ્નપ્રસંગે જઇ રહ્યા હતા ત્યારે રાત્રીના સમયે જ્યોતીનગર ટર્નિંગ પાસે કોઇ અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા થયેલા અકસ્માતમાં હસમુખભાઇ અને તેના પુત્ર પાર્થનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે પત્નીને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like