રાજ્યના જુદા જુદા હાઇવે માર્ગ પર અકસ્માતોનો સિલસિલો: રરનાં મોત

અમદાવાદ: રાજ્યના જુદા જુુદા હાઇવે પર માર્ગ અકસ્માતોની સિલસિલો જારી રહ્યો છે. માર્ગ અકસ્માતની ઘટનામાં કુલ રર વ્યક્તિનાં મોત થયાં હતાં.

મહેસાણા હાઇવે પર કાર અકસ્માતમાં ચારનાં મોત
અમદાવાદ-મહેસાણા રોડ પર આજે વહેલી સવારે બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓનાં મોત થયા હોવાનું જાણવા મળે છે.

કડી નજીક પિતા-પુત્રનું મોત
કડી-થોળ રોડ પર બોરીસણા ગામ પાસે ટ્રેકટર પાછળ બાઇક ઘૂસી જતાં બુધઇરામ અને તેના પુત્રનું ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ગોધરાના અકસ્માતમાં માતા-પુત્ર મોતને ભેટ્યાં
ગોધરા-સાંપા રોડ પર શ્યામલ સોસાયટી પાસે રેતી ભરેલું ડમ્પર પલટી ખાઇ જતા રેશ્માબહેન પગી તથા તેના બે વર્ષના પુત્રનું રેતી નીચે દબાઇ જતાં મોત થયું હતું.

બાબરા પાસે હિટ એન્ડ રન: બેનાં મોત
બાબરા-ચરખા રોડ પર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં કમલેશ ભૂપતભાઇ અને જયેશ વિઠ્ઠલભાઇ નામના બે યુવાનનાં ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયા હતા.

કચ્છમાં અકસ્માતોની વણઝાર
કચ્છમાં છેલ્લા ર૪ કલાક દરમયાન બનેલી માર્ગ અકસ્માતોના બનાવમાં પાંચ વ્યક્તિનાં મોત થયા હોવાનું જાણવા મળે છે. કચ્છમાં નાગોરના વળાંક પાસે, મીરઝાપર ગામ નજીક, માધાપર રોડ પર, માંડવી રોડ પર અને મુંદ્રા નજીક બનેલા અકસ્માતના બનાવમાં ભવાનસિંહ, ગોવિંદ બીજલ, ઇશ્વરસિંહ, ધનજીભાઇ ઇસ્માઇલ સમા સહિત પાંચ વ્યક્તિનાં મોત થયાં હતાં.

પીએસઆઇની કારે અકસ્માત સર્જ્યો
વડોદરા-વાઘોડિયા રોડ પર આમોદર ગામ પાસે પીએસઆઇની કારની અડફેટે આવી જતાં એક કોન્સ્ટેબલનું મોત થયું હોવાનું જાણવા મળે છે.

ભાભર રોડ પર અકસ્માત
ભાભર રોડ પર ઉજ્જૈનવાડા પાસે બાઇક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતા સુરેશભાઇ માળી નામના શખસનું મોત થયું હતું જ્યારે તેમની પત્ની અને બાળકનો આબાદ બચાવ થયો હતો.

અકસ્માતમાં હારીજના વેપારીનું મોત
હારીજ-પાટણ રોડ પર રાવિન્દ્રા ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં પ્રદીપ નટવરભાઇ નામ વેપારીનું મોત થયું હતું.

બસની અડફેટે આધેડનું મોત
પોરબંદર-માધવપુર હાઇવે પર એસટી બસની અડફેટે આવી જતાં રાજાભાઇ ભરડા નામના આધેડનું મોત થયું હતું.

બારેજા નજીક અકસ્માતમાં યુવાનનું મોત
બારેજા મુક્તિપુરા રોડ પર બાઇકની અડફેટે આવી જતા કાળુભાઇ બાલાભાઇ નામના યુવાનનું મોત થતા પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સુરત નજીક અકસ્માતમાં બેનાં મોત
સુરત પૂણા કુંભારિયાના પરિવારને વલસાડ ચણવઈ નજીક નડેલા અકસ્માતમાં ઘરના મોભી અને દિકરાના આકસ્મિક મોતથી પટેલ પરિવારમાં શોક પ્રસરી ગયો હતો.

You might also like