અમદાવાદ-પાલનપુર હાઈવે પર બસચાલકને છાતીમાં દુખાવો ઉપડતાં અકસ્માત

અમદાવાદ: અમદાવાદ-પાલનપુર હાઈવે પર જગાણા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલી એસટી બસના ચાલકને અચાનક જ છાતીમાં જોરદાર દુખાવો ઉપડતા તેણે સ્ટિયરિંગપરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ અાગળ જઈ રહેલ ટ્રક સાથે જોરદાર રીતે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ૨૦ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત તમામને પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

અા અંગેની વિગત એવી છે કે સુમેરપુર-અમદાવાદ રૂટની એસટી બસ બપોરના સુમારે અમદાવાદ-પાલનપુર હાઈવે પર જગાણા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બસના ચાલકને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતાં તેને સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ રોડ પર રેલાવા લાગી હતી. ડ્રાઈવરે બસને રોકવા પ્રયત્ન કર્યો હતો પણ તેની તબિયત ખરાબ હોવાથી બસ રોકાઈ ન હતી અને અાગળ જઈ રહેલી ટ્રક સાથે જોરદાર ધડાકા સાથે અથડાતાં અા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં બસના ચાલક અને કન્ડક્ટર સહિત ૨૦ જેટલા મુસાફરને ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. ઘટનાને પગલે મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પોલીસે અા અંગે વધુ તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like