જુદા જુદા હાઇવે પર માર્ગ અકસ્માતોની વણજાર ૧પ વ્યક્તિનાં મોત

અમદાવાદ: રાજયના જુદા જુદા હાઇવે પર માર્ગ અકસ્માતોની વણજાર સર્જાતાં ૧પ વ્યક્તિનાં મોત થયાં હતાં. જ્યારે ર૦થી વધુને ઇજાઓ પહોંચી હતી.  લીંબડી હાઇવે પર બોડિયા પાસે હીટ એન્ડ રનની ઘટનામાં એક રાહદારીનું મોત થયું હતું. આ જ રોડ પર ચોરણિયા પાટિયા પાસે કારનું ટાયર ફાટતાં એક મહિલા સહિત બે વ્યકિતના મોત થયા હતા.

પાલનપુર નજીક વાસડા, ચડોતર અને શેરપુરા નજીક અકસ્માતના ત્રણ બનાવમાં પ્રવીણ ઠાકોર, શારદાબહેન દેવીપૂજક અને શંભુજી ઠાકોરનાં મોત થયાં હતાં. દસાડા-પાટડી રોડ પર છોટા હાથી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા સિકંદર પઠાણનું મોત થયું હતું છોટાહાથીમાં બેઠેલ અન્ય ચાર જણાને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અને લીંબડીના ભલગામડાં નજીક છકડો પલટી ખાઇ જતાં પાલુબહેન પરમાર નામની મહિલાનું મોત થયું હતું. જ્યારે સાત વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને લીંમડીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા.

નેત્રંગ નજીક કોચબાર ગામ પાસે રોડ પર ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત થતા સુખદેવ વસાવા સહિત બે વ્યક્તિનાં મોત થયાં હતાં. અા અકસ્માતના બનાવમાં પાંચ જણા ગંભીર રીતે ઘવાતા ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા. અંજારના ચંદ્રાણી ગામ પાસે ટેલર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સોમાભાઇ દલિત અને ઇશ્વરભાઇ દલિત નામની બે વ્યક્તિના મોત થયાં હતાં. તથા ત્રણ વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આણંદ-તારાપુર રોડ પર ઇસરવાડા પાસે કોઇ અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતાં સુરેશ સોલંકી અને ગિરીશ મકવાણા નામની બે વ્યક્તિનાં મોત થયાં હતાં. અમદાવાદ-સુરેન્દ્રનગર રોડ પર લખતર નજીક બોલેરો જીપે બાઇકને અડફેટે લેતાં બાઇક પર જઇ રહેલા બે યુવાનોનાં ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

http://sambhaavnews.com/

You might also like