રાજ્યના જુદા જુદા હાઈવે પર માર્ગ અકસ્માતનો સિલ‌િસલો, દસનાં મોત

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઈવે પર માર્ગ અકસ્માતોનો સિલ‌િસલો જારી રહ્યો છે. જુદા જુદા અકસ્માતોમાં કુલ દસ વ્યક્તિનાં મોત થયાં હતાં. જ્યારે વલસાડના કપરાડા નજીક અાજે વહેલી સવારે લકઝરી બસ પલટી ખાઈ જતાં ૧૨ મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે.

પોરબંદર-અડવાણા રોડ પર બગવદ નજીક યુટિલિટી ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત થતાં કાર્તિક મોઢા અને નયન સોલંકી નામના બે યુવાનના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ભાવનગર ઘોઘા રોડ પર વલભીપુર પાસે બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કિશોર ખોરાળા અને અશ્વિન જેઠવા નામની બે યુવાનો મોતને ભેટ્યા હતા. અા જ રોડ પર લીલા સર્કલ બસ સ્ટેન્ડ પાસે ગાય અાડી અાવતાં બાઈક પરથી નીચે પટકાયેલા પરેશભાઈ નંદલાલ માંડ‌િવયા નામના અાધેડનું મોત થયું હતું. વેરાવળ-કોડીનાર રોડ પર અાજોઠા ગામ પાસે કારે બાઈકને અડફેટે લેતાં ગોપાલ કચરાભાઈ અને પ્રકાશ નાનજીભાઈ નામના બે યુવાનો મોતને ભેટ્યા હતા.

અા બંને યુવાનો રાજકોટ ખાતે પીએસઅાઈની પરીક્ષા અાપી પરત ફરતા હતા ત્યારે અા ઘટના બની હતી. અા ઉપરાંત દામનગર-રંઘોળા રોડ પર બે બાઈક જોરદાર ધડાકા સાથે સામસામે અથડાતાં શ્યામજી પરમાર સહિત ત્રણ વ્યક્તિના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે વલસાડ નજીક કપરાડા રોડ પર અાજે વહેલી સવારે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની લકઝરી બસ ડ્રાઈવરને ઝોંકું અાવતાં પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં બેઠેલા ૧૨ મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like