કૃણાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં : માં બાપની આગોતરા જામીનની સુનવણી ટળી

અમદાવાદ : ભૂમિ આત્મહત્યા કેસમાં આરોપી આરજે કૃણાલનાં રિમાન્ડ આજે પુરા થતા તેને ગ્રામ્ય કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. પોલીસે કૃણાલને વધારે રિમાન્ડની માંગણી નહી કરતા તેને જ્યુડિશ્યીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. કૃણાલને હાલ સાબરમતી જેલમાં લઇ જવાયો છે. આ કેસમાં હવે 12 ફેબ્રુઆરીનાં રોજ સુનવણી હાથ ધરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે ચાર દિવસની પુછપરછમાં કૃણાલે પોલીસ સમક્ષ એવી કબુલાત કરી છે કે હું નોકરી તેમજ ઇવેન્ટમાં વ્યસ્ત રહેતો હતો જેથી હું ભૂમિને યોગ્ય સમય આપી શકતો ન હતો તે વાત સાચી છે પરંતુ મારા ઉપર પૈસાની માંગણી કરવાનાં કે પછી ભૂમિ સાથે મારઝુડ કરવાનાં જે આરોપો લગાવવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે. જો કે ભૂમિ ઓવર સેન્સીટીવ સ્વભાવની હતી પણ મને ખબર ન હતી કે તે આત્મહત્યા જેવુ પગલુ ભરશે.
અત્રે નોંધનીય છે કે, કૃણાલના માતા પિતાએ આગોતરા જામીનની અરજી પરની સુનવણી આજે મુલતવી રાખવામાં આવી હતી. ભૂમિની માતા કવિતા પંચાલે કૃણાલ અને તેનાં માતા પિતા સાથે દહેજ પ્રતિબંધક કાયદા હેઠળ કેસ દાખલ કરાવ્યો છે. તેઓએ આરોપ લગાવ્યો હતો કે કૃણાલે મિલ્કત ખરીદીનાં નામે ભૂમિનાં પરિવાર પાસેથી 25 લાખની માંગણી કરી હતી. બેંકોકથી પરત આવીને ભૂમિએ તેનાં માતા પિતાને આ અંગે જાણ કરી હતી. જો કે હાલ તો પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આદરી છે.

You might also like