આરજે કૃણાલનાં માતા-પિતા આજે આગોતરા જામીન માટે અરજી કરશે

અમદાવાદ: રેડિયો મિર્ચીના આરજે કૃણાલ દેસાઈની પત્ની ભૂમિએ કરેલી આત્મહત્યા પ્રકરણમાં ભૂમિનાં સાસુ પુષ્પાબહેન અને સસરા ઈશ્વરભાઈ દેસાઈએ પોલીસ ધરપકડથી બચવા માટે કાયદાકીય સલાહ મેળવી છે. આજે બપોર સુધીમાં અમદાવાદ જિલ્લા કોર્ટમાં આગોતરા જામીન મેળવા માટે અરજી કરનાર હોવાનું જાણવા મળે છે. કૃણાલ દેસાઈ તે પછી આગોતરા જામીન કરે તેવી શકયતા રહેલી છે.

સેટેલાઈટમાં સચીન ટાવરના દસમા માળેથી ભૂમિ દેસાઈ (પંચાલ)એ 21મી જાન્યુઆરીના રોજ આત્મહત્યા કરી હતી. જેના લીધે ભારે ઊહાપોહ મચી ગયો હતો. આનંદનગર પોલીસે અકસ્માત મોતનો ગુના દાખલ કરવામાં આવ્યો હતો. ભૂમિનાં મૃત્યુને પગલે તેનાં માતા પિતાએ રેડિયો મિર્ચીના આરજે અને ભૂમિના પતિ કૃણાલ દેસાઈ અને તેનાં માતા પિતા સીધાં જવાબદાર હોવાથી કાર્યવાહી કરવા માટે માગણી કરી હતી. આ વખતે તપાસ એસીપી યુવરાજસિંહ જાડેજાને સોંપવામાં આવી હતી. એસીપીએ ચાર દિવસની તપાસમાં સંખ્યાબંધ નિવેદનો લઈને આરજે કૃણાલ અને તેનાં માતા પિતા સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

સામાન્ય રીતે લગ્નનાં સાત વર્ષ પહેલાં કોઈ મહિલા આત્મહત્યા કરે અને તેનાં માતા પિતા સાસરિયાં સામે ફરિયાદ દાખલ કરે તો પોલીસ તુરત ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરતી હોય છે. પરંતુ તપાસકર્તા એસીપી યુવરાજસિંહ જાડેજાએ મિતેશ સોની, સચીન ટાવરના રહીશો, કૃણાલ અને તેનાં માતા પિતા તેમજ ભૂમિનાં માતા પિતાનાં નિવેદનો લેવામાં ચાર દિવસ જેટલો સમય લીધો હતો. તેના કારણે આરોપી કૃણાલ અને તેના પરિવારને ફરાર થવાનો સમય મળી ગયો હતો.

હાલમાં આરોપી કૃણાલ અને તેનાે પરિવાર ભૂગર્ભ હોવાનું જાણવા મળ્યંુ છે. આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.વી. જાડેજાએ જણાવ્યું હતું કે હાલમાં આરોપીઓની શોધખોળ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે ભૂમિના પરિવારજનોએ ભૂમિનાં મોતના બીજા દિવસથી જ કૃણાલ સામે ભૂમિને મારઝૂડ કરતો હોઇ અને બંને વચ્ચે અણબનાવ બન્યો હોઇ અને તેના લીધે ભૂમિએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. છતાં પણ એસીપીની ઢીલી તપાસને કારણે આરોપીઓને છટકબારી મળી ગઈ હતી.

You might also like