ભૂમિ-કૃણાલ વચ્ચે બેંગકોકમાં ડાન્સ કરવા બાબતે મોટો ઝઘડો થયો હતો

અમદાવાદ: રેડિયો મિર્ચીના આર.જે. કૃણાલ દેસાઇ ગઇ કાલે એન ડિવિઝન એસીપી સમક્ષ હાજર થતાં આનંદનગર પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ આજે બપોરે તેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માગ કરશે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બેંગકોકમાં બંને હનીમૂન માટે ગયા હતા, જ્યાં હનીમૂનની શરૂઆત જ ઝઘડાથી થઇ હતી. એરપોર્ટ પર સિગારેટ પીવા બાબતે ભૂમિ અને કૃણાલ વચ્ચે ઝઘડો થયો હતો, એટલું જ નહીં ભૂમિ અને કૃણાલ વચ્ચે બેંગકોકમાં ડાન્સ કરવા બાબતે પણ ઉગ્ર ઝઘડો થયો હતો.

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ લગ્નના બે મહિનામાં જ કૃણાલ અને ભૂમિ વચ્ચે અણબનાવોની શરૂઆત થઇ હતી. ૧૪ જાન્યુઆરીના રોજ ભૂમિનો બર્થડે બેંગકોકમાં ઊજવવાનો અને હનીમૂનનો પ્લાન બનાવી તેઓ બેંગકોક ગયા હતા, પરંતુ બેંગકોક જતાં જ બંને વચ્ચેના અણબનાવો વધી ગયા હતા. ભૂમિએ એરપોર્ટ પર સિગારેટ પીતાં તેની અને કૃણાલ વચ્ચે બોલાચાલી થઇ હતી.

ઉપરાંત બેંગકોક જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે ત્યાં પણ ડાન્સ કરવા બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ ઉપરાંત ટૂરમાં જ કૃણાલે ‌ભૂમિના સિગારેટ પીતા ફોટા પાડ્યા હતા અને આ બાબતે તેણે ભૂમિને ફોટા તેના માતા-પિતાને બતાવી દેશે તેમ જણાવી બ્લેકમેલ કરતો હતો.

આ કેસમાં અન્ય કોઇ વ્યકિતની પણ ભૂમિકા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જોકે પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. જેમ જેમ કેસ આગળ વધી રહ્યો છે તેમ ભૂમિની આત્મહત્યાના અનેક રહસ્ય ખૂલી રહ્યાં છે ત્યારે આ કેસમાં હજુ અનેક ખુલાસાઓ થાય તેવી શકયતા જણાય છે.

કૃણાલ પીએમરૂમ ગયો હતો, પરંતુ સાસરિયાં સાથે ઝઘડો થતાં પરત આવી ગયો
ભૂમિએ જ્યારે આત્મહત્યા કરી તેના બીજા દિવસે સવારે ભૂમિનું સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવવામાં આવ્યું હતું. પીએમ સમયે કૃણાલ પીએમ રૂમ ખાતે આવ્યો હતો, પરંતુ સાસરિયાં સાથે તેને ત્યાં આવવા બાબતે બોલાચાલી થઇ હતી અને બાદમાં ઝઘડો વધતાં તે ત્યાંથી જતો રહ્યો હતો.

સચીન ટાવરમાં ભૂમિની મિત્ર રહેતી હતી
ભૂમિએ આનંદનગર રોડ પર આવેલ સચીન ટાવર પરથી જ પડતું મૂક્યું હતું. ભૂમિએ શા માટે સચીન ટાવર જ પસંદ કર્યું? તે બાબતે સવાલ ઊભા થયા હતા. જે બાબતે તપાસ કરતાં સચીન ટાવરમાં ૧૦મા માળે ભૂમિની એક મિત્ર રહેતી હતી અને છએક મહિના અગાઉ જ ભૂમિ અને કૃણાલ તેના ઘરે પાર્ટી માટે ગયા હતા. જેથી ભૂમિ આ સચીન ટાવરથી પરિચિત હોવાનું ખૂલવા પામ્યું છે. તેથી પોલીસે તેની મિત્ર કોણ હતી વગેરેની તપાસ શરૂ કરી છે.

કૃણાલ ફોઇના ઘરે રોકાયો હતો
સૂત્રોના જણાવ્યા મુજબ આનંદનગર પોલીસ સ્ટેશનમાં કૃણાલ અને તેના માતા-પિતા વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાતાં કૃણાલ અને તેના માતા-પિતા ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. એક દિવસ કૃણાલ તેના ફોઇના ઘરે રોકાયો હોવાનું બહાર આવ્યું છે. બાદમાં પોતે સરખેજ-ઉજાલા વગેરે વિસ્તારમાં ફરતો હોવાનું ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું.

You might also like