રિવરફ્રન્ટના ધોબીઘાટનું વીજ જોડાણ કપાતાં વિવાદ

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વકાંઠા પર આવેલા ધોબીઘાટના લાઇટબિલનો વિવાદ ઊઠ્યો છે. અત્યાર સુધી કોર્પોરેશન લાઇટબિલ ભરતું આવ્યું છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનાનું દશ લાખનું લાઇટબિલ ધોબી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ભરવાની ફરજ પડાઇ છે, જોકે આ લાઇટબિલ ભરવાની આ લોકોએ આનાકાની કરતાં કોકડું ગૂંચવાયું છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ધોબી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આધુનિક સગવડો સાથે ૧૬૩ યુનિટની ક્ષમતા ધરાવતો ધોબીઘાટ બનાવ્યો છે. ધોબીઘાટના મેન્ટેનન્સ હેઠળ લાઇટબિલની ચુકવણી પણ તંત્ર દ્વારા નિયમિત રીતે ટોરેન્ટ વીજ કંપનીમાં કરાતી હતી.

જોકે છેલ્લા ત્રણ મહિનાનું લાઇટબિલ કોર્પોરેશને સ્વયં ભરવાને બદલે અહીંના વ્યવસાયીઓ ઉપર છોડતાં તેનો વિવાદ ઊઠ્યો છે. દરમ્યાન લાઇટ બિલ ભરવામાં વિલંબ થવાથી ટોરેન્ટ કંપનીએ બે દિવસ પહેલાં લાઇટ કનેકશન કાપી નાખ્યું છે. ધોબીઘાટનું લાઇટ કનેકશન કાપી નંખાતાં ધોબીઘાટના વ્યવસાયીઓ ગઇ કાલે સાંજે મ્યુનિ. મુખ્યાલયમાં આ અંગે ઉગ્ર રજૂઆત કરવા દોડી આવ્યા હતા.

ધોબીઘાટના વ્યવસાયી મોહમ્મદ અનીસ કહે છે, ‘અમે કમિશનર સમક્ષ પણ ઉગ્ર રજૂઆત કરી છે. અમને અચાનક ત્રણ મહિનાનું રૂ.દશ લાખનું લાઇટબિલ ફટકારાયું છે. ટોરેન્ટે લાઇટ કનેકશન કાપતાં અમે બે દિવસથી ધંધા-રોજગાર ગુમાવી બેઠા છીએ.’

અન્ય વ્યવસાયી ફારુકભાઇ કહે છે, ‘અમારા એકની પણ પાસે વીજમીટર નથી એટલે કોણે કેટલો વીજવપરાશ કર્યાે તેની કઇ રીતે ખબર પડે?’ આમ કરીને તો તંત્રે અમારી વચ્ચે અંદરોઅંદર ડખો જ ઊભો કર્યો છે.

લાઇટ વિભાગનો હવાલો સંભાળતા મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર દીપેશ શાહ કહે છે, ‘ધોબીઘાટના વ્યવસાયીઓને મેન્ટેનન્સ સંભાળી લેવા છેક એપ્રિલ મહિનામાં તંત્રે બેઠક યોજીને તાકીદ કરી હતી એટલે અચાનક લાઇટબિલ અપાયું નથી. વ્યવસાયીઓ હવે સારી રીતે પગભર થયા હોઇ કોર્પોરેશન સ્ટ્રીટલાઇટ સિવાયનું લાઇટબિલ ચૂકવશે નહીં તેમાં કોઇ વાદ-વિવાદને સ્થાન નહીં, જોકે હજુ વ્યવસાયીઓ સાથે તંત્રની વાટાઘાટો ચાલુ છે.’

You might also like