રિવરફ્રન્ટ પર લગાવેલા ૪૦ પૈકી ૧૯ સીસીટીવી કેમેરાને અંધાપો!

અમદાવાદ: અમદાવાદ શહેરના વધુ ને વધુ વિસ્તારને સીસીટીવી કેમેરા સર્વેલન્સ હેઠળ અાવરી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીજી બાજુ જે કેમેરા લગાવેલા છે તેની જાળવણી યોગ્ય રીતે થતી નથી. સાબરમતી રિવરફ્રન્ટના માત્ર પશ્ચિમ કિનારા પર ૪૦ સીસીટીવી કેમેરા લગાવેલા છે. જે પૈકી ૧૯ કેમેરા બંધ છે. જે ૨૧ કેમેરા ચાલુ છે તે પણ હાઈ ડેફિનેશનના નથી અને એક પણ કેમેરાનું રેકોર્ડિંગ પણ થતું નથી.

શહેરના જૂના વાડજથી પાલડી વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટ ટ્રેક પર લગાવેલા ૪૦ સીસીટીવી કેમેરા પોલીસ માટે શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ રોકવા તેમજ ટ્રાફિક ભંગ કરનાર લોકો સામે લાલ આંખ કરવા માટે અમદાવાદ શહેર પોલીસે શહેરના દરેક જંકશન પર હાઇડેફિનેશન અને નાઇટ વિઝનના સીસીટીવી કેમેરા લગાવેલા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ રોડ પર ૪૦ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે.

રિવરફ્રન્ટ રોડ પર દિવસે ને દિવસે ટ્રાફિકની અવરજવરમાં વધારો થઇ રહ્યો છે. હજારો લોકો દિવસમાં રિવરફ્રન્ટની મુલાકાતે આવે છે. તદુપરાંત રાજ્ય સરકાર તથા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી સંસ્થાઓ દ્વારા અનેક મોટી મોટી ઇવેન્ટનું પણ આયોજન રિવરફ્રન્ટ ઉપર કરવામાં આવે છે. રિવરફ્રન્ટ જેવા ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે પરંતુ તે ચાલી રહ્યા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ તમામ સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ અમદાવાદ શહેર પોલીસને સોંપ્યું છે.

સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.એ. ભગોરાએ જણાવ્યું છે કે રિવરફ્રન્ટ ઉપર ૪૦ સીસીટીવી કેમેરા લગાવેલા છે જેમાં ર૧ સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં છે બાકી તમામ કેમેરા બંધ હાલતમાં પડેલા છે. તદ્ઉપરાંત સીસીટીવી કેમેરાનું કોઇ પણ રેકોર્ડિંગ થતું નથી. જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવે છે ત્યારે તે સીસીટીવી ફૂટેજ જોઇ શકતો નથી કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશને સીસીટીવી કેમેરા લગાવી આપ્યા પરંતુ તેનું રેકોર્ડિંગ થતું નથી.

આ સિવાય કેમેરાનું હાઇડેફિનેશનના નહીં હોવાથી કોઇ પણ વાહન રોડ ઉપરથી પસાર થતું હોય ત્યારે તેની નંબર પ્લેટ પણ જોઇ શકાતી નથી. મહત્વની વાત એ છે કે ટ્રાફિક ભંગ કરીને કોઇ પણ વાહન ચાલક પસાર થાય તો તેમને ઇ-મેમો પણ મોકલી શકાતો નથી. છેલ્લા બે માસમાં રિવરફ્રન્ટ પર ત્રણ અકસ્માતના બનાવ બન્યા છે. જો કે તેના કોઇ પણ સીસીટીવી ફૂટેજ પોલીસ પાસે નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રિવરફ્રન્ટ વેસ્ટમાં ૪૦ સીસીટીવી કેમેરા લગાવ્યા છે, પરંતુ રિવરફ્રન્ટ ઇસ્ટમાં કોઇપણ સીસીટીવી કેમેરા લગાવેલા નથી. દાણીલીમડાથી લઇ ડફનાળા સુધી કોઇ પણ જગ્યાએ સીસીટીવી
કેમેરા નથી.
http://sambhaavnews.com/

You might also like