રિવરફ્રન્ટના વોક-વે પરથી યુગલે ઝંપલાવ્યું

અમદાવાદ: આત્મહત્યા માટે હોટસ્પોટ ગણાતી સાબરમતી નદીમાં આજે સવારે એક યુગલે ઝંપલાવ્યું હતું. આશ્રમરોડ વલ્લભસદન પાસેથી યુવક-યુવતીએ પડતું મુક્યું હતું. ફાયર બ્રિગેડની રેસ્કયુ ટીમે દ્વારા તેઓને બચાવવા શોધખોળ કરાઇ હતી પરંતુ બંનેની મૃત હાલતમાં જ લાશ મળી આવી હતી. હાલમાં પોલીસે બંનેની લાશને પીએમ માટે મોકલી અકસ્માત મોત નોંધાવાની કાર્યવાહી શરૂ કરી છે. ફાયર બ્રિગેડનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાબરમતી નદીમાં ફાયર બ્રિગેડની રેસ્કયુ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી.

દરમ્યાન આશ્રમરોડ પર વલ્લભસદન નજીક રિવરફ્રન્ટનાં વોક-વે પરથી એક યુવક-યુવતીએ ઝંપલાવ્યું હોવાનો મેસેજ મળ્યો હતો. ફાયર બ્રિગેડની રેસ્કયુ ટીમ તાત્કાલીક ત્યાં પહોંચી હતી. બંનેની શોધખોળ શરૂ કરી હતી. બાદમાં ફાયરની ટીમે તેઓની લાશને બહાર કાઢી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક યુવકનું નામ ખોડિદાસ ગણપતભાઈ રાઠોડ (ઉં.વ.૨૬, રહે. અાંબેડકરવાસ, શાહવાડી, નારોલ) અને મૃતક યુવતીનું નામ પાયલ ભીખાભાઈ કારેલીયા (ઉં.વ. ૨૧, રહે. અાંબેડકર ચોક, ધોળકા) હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવક પરિણીત છે અને તેને એક નાનો પુત્ર છે.

યુવતી અમદાવાદમાં રહી નર્સિંગનો કોર્શ કરતી હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.
હાલમાં ફાયર બ્રિગેડની ટીમે બંનેની લાશને સાબરમતી રિવરફ્રન્ટ પોલીસને સોંપી છે. પોલીસે બંનેની લાશને પીએમ અર્થે મોકલી યુગલે આત્મહત્યા શા માટે કરી તે અંગેની તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે સાબરમતી નદીમાં દરરોજ બે વ્યક્તિ ઝંપલાવી આત્મહત્યા કરી
લે છે.

You might also like