રિવરફ્રન્ટના બંને પ્લોટનું માર્કેટિંગ કરવા મ્યુનિ. કમિશનર મુંબઇ ગયા

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠા પરના બે પ્લોટનું વેચાણ કરીનેે આવક મેળવવાની કોર્પોરેશનને મંજૂરી અપાઇ ગઇ છે. તંત્ર દ્વારા આ બંને પ્લોટના વેચાણ માટેના ગ્લોબલ ટેન્ડર પણ પ્રસિદ્ધ થઇ ચૂકયા હોઇ આજે કમિશનર મૂકેશકુમાર તેમની ટીમ સાથે બંને પ્લોટનું માર્કેટિંગ કરવા મુંબઇ પહોંચી ગયા છે.

રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠા પર નહેરુબ્રિજ પાસે નિર્માણાધીન રિવરફ્રન્ટની ઓફિસની પાસેના ૭૦ મીટર બાય ૩ર મીટરના કુલ રર૪૦ ચો.મીટર પ્લોટ એરિયા અને તેની ઉપર મંજૂરી પાત્ર બિલ્ટઅપ એરિયા ૧૧,૦૭૪ ચો.મીટર છે. આ પ્લોટ પર રપ મીટરની ઊંચાઇમાં ત્રણ બેઝમેન્ટ વત્તા ગ્રાઉન્ડ ફલોર વત્તા પાંચ માળનું બાંધકામ થઇ શકશે.

જ્યારે ગાંધીબ્રિજ પાસેના ૪૦ મીટર બાય ૩ર મીટરના પ્લોટ એટલે કે પ્લોટ એરિયા ૧ર૮૦ ચો.મીટર છે અને તેમાં મંજૂરી પાત્ર બિલ્ટઅપ એરિયા ૧૬,૭૭૩ ચો.મીટર છે. આ પ્લોટ પર ૭પ.૬ મીટર ઊંચાઇમાં ત્રણ બેઝમેન્ટ વત્તા ૧૭ માળનું બાંધકામ થઇ શકશે. જે પ્લોટની તળિયાની કિંમત રૂ.૧૦૦.૬૪ કરોડ રખાઇ છે. આ બંને પ્લોટનું મુંબઇ ખાતે માર્કેટિંગ કરવા કમિશનર મૂકેશકુમારની સાથે રિવરફ્રન્ટ પ્રોજેકટનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકર, ઇ-ગવર્નન્સનો હવાલો સંભાળતા આસિસ્ટન્ટ કમિશનર રમ્ય ભટ્ટ પણ જોડાયા છે. આ ત્રણેય ઉચ્ચ અધિકારીની ટીમ આજે રાત્રે અમદાવાદ પરત ફરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટની ૧૪.પ ટકા એટલે કે ૩, ર૬,૮૩૦ ચો.મીટર જમીન વેચાણમાં મુકાશે. જે માટે નિયત થયેલા પ૧ પ્લોટ પૈકી પ્રથમ તબક્કામાં ગાંધીબ્રિજ અને નહેરુબ્રિજ પાસેથી બે પ્લોટની હરાજી કરાશે. આ બંને પ્લોટની બેઝ વેલ્યૂ કુલ મળીને રૂ.૧૬૭.૧૦ કરોડ નક્કી કરાઇ છે. આ માટે બિલ્ડરોએ તા.પ જૂન, ર૦૧૭ સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જ્યારે ૧૪-૧પ જૂને ઇ-ઓકશનના મોક રાઉન્ડ થશે અને ર૧-રર જૂન ર૦૧૭ના રોજ ઓનલાઇન ઓકશન કરાશે.
http://sambhaavnews.com/

You might also like