રિવરફ્રન્ટની ૮ લિફ્ટ માત્ર VIP માટેઃ નાગરિકોને ‘નો એન્ટ્રી’

અમદાવાદ: કરોડોના ખર્ચે ડેવલોપ કરવામાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટનો નજારો બહારથી ગમે તેટલો અદભુત લાગતો હોય પરંતુ અંદરની પોલંપોલની ચાડી ખાતી આઠ લિફ્ટ ઘણું બધું કહી જાય છે. ઉનાળાના વેકેશનમાં ‌રિવરફ્રન્ટની મજા માણવા માટે અમદાવાદીઓ તેમજ ટૂરિસ્ટ આવી રહ્યા છે, તેવામાં સિનિયર સિટીઝન, દિવ્યાંગ તેમજ ગર્ભવતી મહિલાઓ માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ લિફ્ટ ચાલુ હાલતમાં છે પરંતુ મુલાકાતીઅો ઉપયોગ કરી શકતા નથી.

સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્વિમમાં સિનિયર સિટીઝન, દિવ્યાંગ તેમજ ગર્ભવતી મહિલાઓને વોક વે પર જવા માટે કુલ આઠ લિફટ રૂ.પાંચ કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. બે વર્ષ પહેલાં તમામ લિફટ બનાવી દેવામાં આવી હતી. જોકે છેલ્લા સાત આઠ મહિનાથી તમામ લિફટ બંધ છે. દિવ્યાંગ, સિનિયર સિટીઝન ‌રિવરફ્રન્ટની મુલાકાત માટે આવે ત્યારે તેમને લિફટનો લાભ મળતો નથી. જેના કારણે વોક વે પર જવા માટે ૩૦ કરતાં પણ વધુ પગથિયાં ઊતરવાં પડે છે.

ઉલ્લેખનીય છે કે ‌રિવરફ્રન્ટ પર જ્યારે સરકારી કાર્યક્રમ હોય, નેતાઓ, અધિકારી કે મહાનુભવો આવવાના હોય કે પછી વિદેશથી આવેલા મહેમાનોને આકર્ષિત કરવાના હોય તેવા સંજોગોમાં લિફટ ચાલુ કરી દેવામાં આવે છે. જોકે સામાન્ય રીતે લિફ્ટ બંધ હાલતમાં હોય છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર લિફ્ટમાં કોઇ ટેકનિકલ ફોલ્ટ નથી તેમ છતાંય તેને બંધ રાખવામાં આવે છે. ‌રિવરફ્રન્ટ પશ્વિમમાં જૂના વાડજથી પાલડી સુધીમાં ચાર લિફટ તેમજ પૂર્વમાં શાહીબાગ ડફનાળાથી જમાલપુર સુધી ચાર લિફટ આવેલી છે.

‌રિવરફ્રન્ટ પશ્વિમમાં આવેલ વલ્લભસદન પાસે દરરોજ હજારો લોકો ‌રિવરફ્રન્ટમાં બોટિંગની મજા માણવા માટે તેમજ ફરવા માટે આવે છે ત્યારે શાહીબાગ ખાતે આવેલા ‌રિવરફ્રન્ટના ગાર્ડનમાં હજારો લોકો ફરવા માટે આવે છે. જેમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગ પણ હોય છે તેઓ વોક વે પર જવા માટે લિફ્ટનો ઉપયોગ કરી શકતા નથી. ‌રિવરફ્રન્ટ પર ઇન્સ્ટોલ કરવામાં આવેલી એક લિફ્ટ પાછળ રૂ.૬પ લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે. આ સિવાય તમામ લિફટમાં કોઇપણ લિફટમેન પણ રાખવામાં આવ્યો નથી ત્યારે જો કોઇ વ્યકિત લિફટનો ઉપયોગ કરવા માટે આવે તો સિકયોરિટી ગાર્ડ તેમને ભગાડી મૂકે છે.

લાઇટ વિભાગના ડેપ્યુટી સિટી ઇજનેર વાય. યુ. પ્રભાકરે જણાવ્યું હતું કે ‌રિવરફ્રન્ટમાં આઠ લિફટ લગાવવામાં આવેલી છે જે ચાલુ હાલતમાં છે. ‌રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ડેપ્યુટી જનરલ મેનેજર વિનોદભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે લિફટના મેન્ટેનન્સનું કામ લાઇટ વિભાગ સંભાળે છે જરૂરિયાત મુજબ તેને ચાલુ કરવામાં આવે છે જ્યારે સરકારી કાર્યક્રમો હોય ત્યારે તમામ લિફટ શરૂ કરી દેવામાં આવે છે.  લિફ્ટ ચાલુ હોવાના મામલે કોર્પોરેશનના લાઈટ વિભાગ તેમજ રિવરફ્રન્ટ પ્રોજેક્ટના અધિકારીઅો અેકબીજા પર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like