રિવરફ્રન્ટના પૂર્વ છેડા પર આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્ઝિબિશન સેન્ટર બનાવાશે

અમદાવાદ, ગુરુવાર
અમદાવાદ વૈશ્વિક ઓળખ અપાવનાર સાબરમતી રિવરફ્રન્ટના મુલાકાતીઓ માટે આગામી બે-ત્રણ વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરના એક્ઝિબિશન સેન્ટરનો લહાવો માણવા મળશે. સાબરમતી નદીના પૂર્વે છેડે આ એક્ઝિબિશન સેન્ટર આકાર પામશે.
મ્યુનિ. કમિશનર મુકેશકુમારના આગામી નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ના ડ્રાફટ બજેટમાં રિવરફ્રન્ટના પૂર્વ છેડા પરના વિવેકાનંદ બ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરના એક્ઝિબિશન સેન્ટરની દરખાસ્ત મુકાઇ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શન અને સંલગ્ન આયોજનો કરી શકાય તે હેતુથી ગુજરાતના સૌથી મોટા એવા અદ્યતન એક્ઝિબિશન સેન્ટરના નિર્માણ પાછળ અંદાજીત રૂ.૧૮૦ કરોડ ખર્ચાશે.
રિવરફ્રન્ટનું આ એક્ઝિબિશન સેન્ટર આશરે પ૦ હજાર ચો.મીટરની જગ્યામાં બનાવાશે. જેમાં અલગ અલગ ચાર મોટા હોલ, સર્વિસ યુટીલીટી બ્લોક, અલગ ડાઇનીંગ એરિયા, ૧૦૦૦થી વધુ ગાડીઓ પાર્ક થઇ શકે તેવું ડબલ બેઝમેન્ટ પાર્કીંગ એરિયાનું નિર્માણ થશે.
આ ઉપરાંત સંકુલની અંદર નદીની તરફના ભાગે અપર પ્રોમીનોકને અડીને ફ્રુડકોર્ટ બનાવાશે. સાબરમતી નદીની સુંદરતા માણતા માણતા મુલાકાતીઓ ફ્રુટકોર્ટનો પણ આનંદ લઇ શકશે. જો કે આ સમગ્ર પ્રોજેકટ કોર્પોરેશન રાજ્ય સરકારના સહયોગથી હાથ ધરશે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા ટોચના સૂત્રો વધુમાં કહે છે, ” રિવરફ્રન્ટની જગ્યા કોર્પોરેશનની હોઇ તંત્ર સ્વાભાવિકપણે રાજ્ય સરકાર પાસેથી નાણાંકીય સહાયની અપેક્ષા રાખે છે. રાજ્ય સરકારની નાણાંકીય સહાય મળ્યા બાદ કોર્પોરેશન આ પ્રોજેકટમાં આગળ વધવાનું છે. રાજ્ય સરકાર ઇચ્છે તો કોર્પોરેશનને ૧૦૦ ટકા નાણાકીય સહાય આપી શકે તેમ છે. જોકે એક્ઝિબિશન સેન્ટર રિવરફ્રન્ટનું નવલું નજરાણું બનશે તેમાં કોઇ બેમત નથી.”

You might also like