રિવરફ્રન્ટના ‘ગણેશ કુંડ’માં શ્રીજીનાં વિસર્જન માટે દોઢ ફૂટ પાણી પણ નથી

અમદાવાદ: સુખકર્તા, વિઘ્નહર્તા, દુંદાળા દેવ શ્રી સિદ્ધિ વિનાયકના પવિત્ર ગણેશોત્સવને અમદાવાદભરમાં શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહ-ઉમંગથી ઊજવી રહ્યા છે. શહેરીજનોમાં ઘર ગણેશની સ્થાપનાનું મહત્વ પણ પાછલાં વર્ષોની તુલનામાં અનેકગણું વધ્યું છે તો મોટા કદની સાર્વજનિક ગણપતિની દબદબાભેર સ્થાપના પણ ઠેરઠેર થઇ રહી છે. શ્રીજીની નાની મોટી મૂર્તિઓનાં વિસર્જન માટે તંત્ર દ્વારા પાંસઠ લાખના ખર્ચે રિવરફ્રન્ટ સ‌હિતનાં સ્થળોએ ‘કૃત્રિમ ગણેશ કુંડ’ બનાવાયા છે. પરંતુ આ ગણેશ કુંડમાં પવિત્ર ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે દોઢ ફૂટ પણ પાણી નથી.

મ્યુનિ. સત્તાવાળાઓએ રિવરફ્રન્ટ સહિતના સ્થળોએ એક કૃત્રિમ ગણેશ કુંડના નિર્માણ પાછળ આશરે સવા ત્રણ લાખ ખર્ચ્યા છે. રિવરફ્રન્ટના પૂર્વ છેડા પરના સ્થિત મહાલક્ષ્મી માતાના મંદિર પાસેના ‘ગણેશ કુંડ’માં દોઢ ફૂટ પણ પાણી નથી. પરિણામે મોટી મૂર્તિનું વિસર્જન પણ આ ગણેશ કુંડમાં કરવાનું શ્રદ્ધાળુઓ ટાળી રહ્યા છે.

ગઇ કાલે રાત્રે શ્રીજીની એક મોટી પ્રતિમાનું આ ગણેશ કુંડમાં વિસર્જન કરાયું હતું. તંત્રે ક્રેનની વ્યવસ્થા કરી આપી હતી પરંતુ પાણીના અભાવે ગણેશજીની આ મૂર્તિ કફોડી હાલતમાં મુકાઇ જતાં દર્શનાર્થીઓમાં રોષ ફેલાઇ ગયો હતો. જોકે અગાઉ તંત્ર દ્વારા આશરે ચાર ફૂટ ઊંડા, ૩પ ફૂટ લાંબા અને રપ ફૂટ પહોળા ગણેશ કુંડને ત્રણ થી સવા ત્રણ ફૂટ પાણીથી ભરી દેવાના દાવા કરાયા હતા.

પરંતુ આ ગણેશ કુંડ ઉપરાંતના ગણેશ કુંડમાં પાણીના અભાવના કારણે સેંકડો શ્રદ્ધાળુઓ સીધે સીધા રિવરફ્રન્ટમાં જઇને નદીના પાણીમાં જ ગૌરીપુત્ર ગણેશને અશ્રુસભર આંખે વિદાય આપી રહ્યા છે. ગણેશ ભક્તો પાસેથી શ્રીજીની પવિત્ર મૂર્તિઓનું નદીમાં દૂર સુધી જઇને વિસર્જન કરવા માટે સ્થાનિક યુવકોની રિવરફ્રન્ટ પર ઠેર ઠેર જોવા મળે છે. જોકે આ યુવકો રિવરફ્રન્ટ પાસેથી પવિત્ર મૂર્તિને લઇને નદીમાં સીધે સીધી છલાંગ મારી જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

You might also like