શહેરની રોનકસમા રિવરફ્રન્ટ પર પણ હવે દબાણોનું દૂષણ

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ મ્યુનિસિપલ સત્તાવાળાઓનો ડ્રીમ પ્રોજેકટ છે. શહેરના મધ્યમાં થઇને વહેતી સાબરમતી નદીના બંને કાંઠાનો વિકાસ કરી અમદાવાદીઓ માટે આનંદપ્રમોદ અને મનોરંજનનાં સાધનો ઊભાં કરવા અત્યાર સુધીમાં તંત્રની તિજોરીમાંથી રૂ.૧ર૦૦ કરોડથી વધુ નાણાં ખર્ચાઇ ચૂકયા છે.

અત્યાર સુધીમાં અનેક એવોર્ડ પ્રાપ્ત કરીને શહેરની રોનક સમા બનેલા રિવરફ્રન્ટની સોનાની થાળીમાં કમનસીબે દબાણોની લોઢાની મેખ લાગી છે. રિવરફ્રન્ટ પરનાં દબાણો માટે સત્તાધીશોની ઘોર બેદરકારી જ સીધી રીતે જવાબદાર છે.

અમદાવાદમાં જાહેર રસ્તા પરનાં દબાણોની નવાઇ નથી. ખુદ અમદાવાદ કોર્પોરેશનના તાજેતરમાં એક સર્વે મુજબ શહેરના ૭૩ કિ.મી.થી પણ લાંબા ટીપી રસ્તા દબાણગ્રસ્ત છે. તેમાં પણ દબાણની ગાડી લઇને જે તે રસ્તા પરના લારી-ગલ્લા અને પાથરણાંને હટાવ્યા બાદ ગણત્રીના દિવસોમાં ફરી દબાણો ખડકાઇ જાય છે. કોર્પોરેશનના છ ઝોન પૈકી તમામે તમામ ઝોનમાં સ્થાનિક એસ્ટેટ વિભાગની ‘મીઠી નજર’થી દબાણોની વિકરાળ બનેલી સમસ્યા હવે રિવરફ્રન્ટના નયનરમ્ય કાંઠા વિસ્તારમાં ફેલાઇ છે. ‘હપતાખાઉં’ મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગની ખિસ્સાં ભરવાની વૃત્તિથી રિવરફ્રન્ટમાં લારી ગલ્લાનો ઝમેલો વધતો જાય છે.

પૂર્વ છેડા પર તિલકબાગ પાસેના રિવરફ્રન્ટના પૂર્વ છેડા પર દર રવિવારે ભરાતા ગુજરીબજારનું ઉદાહરણ આપતા જાણકાર સૂત્રો કહે છે, રિવરફ્રન્ટ પર દબાણો વધતાં હોઇ વિવેકાનંદ બ્રિજ નીચેનો ભાગ વાહનચાલકો માટે આફતરૂપ બન્યો છે. ગુજરીબજાર વિસ્તારમાં પણ ઐતિહાસિક ભદ્રના કિલ્લાને નુકસાન પહોંચાડે તે રીતે કેટલાંક સ્થાપિત હિતોના પલંગ સહિતનો સામાન ખડકાયેલો જ જોવા મળે છે. મધ્ય ઝોનનો એસ્ટેટ વિભાગ આનાથી માહિતગાર હોવા છતાં કેટલાક લાલચુ અધિકારીઓના કારણે રિવરફ્રન્ટની રોનકને બગડતી અટકાવી શકતો નથી.

રિવરફ્રન્ટ પરનાં દબાણો વાડજ તરફના પટ્ટામાં વધ્યાં છે. શાહપુરના શંકરભુવનથી નહેરુબ્રિજ તરફ જતા પટ્ટામાં પણ લારી ગલ્લાવાળાઓએ અડ્ડો જમાવ્યો છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓએ અત્યારથી રિવરફ્રન્ટ પરનાં દબાણોને ગંભીરતાથી લેવાની જરૂર છે. અન્યથા કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ પણ રિવરફ્રન્ટની સુંદરતાને ગ્રહણ લાગશે. શહેરના અન્ય ટીપી પ્લાનની જેમ રિવરફ્રન્ટના ટીપી રસ્તા ઉપર કાપડ માર્કેટ, પગરખાં માર્કેટ, ખાણીપીણી બજાર વગેરે ધમધમતાં થઇ જશે. જોકે શહેરના શાસકોએ આ મામલે પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન સહિત સંબંધિત એસ્ટેટ વિભાગના અધિકારીઓનાં કાન આમળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

You might also like