૨૪૫ દિવસમાં ૨૨૦ મોતની છલાંગ!

અમદાવાદ: શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદી હવે સ્યુસાઇટ પોઇન્ટ તરીકે ઓળખાય છે. દરરોજ સરેરાશ એક વ્યક્તિ સાબરમતી નદીમાં કૂદી આત્મહત્યા કરે છે. આવા આત્મહત્યાના બનાવો રોકવા માટે ફાયર બ્રિગેેડ દ્વારા રેસ્ક્યૂ ટીમ પણ નદીમાં તહેનાત કરાઇ છે, પરંતુ રેસ્ક્યૂ ટીમ પહોંચે તે પહેલાં જ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી બેસે છે.

છેલ્લા ૩ મહિનામાં ૧૦૦થી વધુ લોકો નદીમાં કૂદ્યાના કોલ ફાયર બ્રિગેડને મળ્યા છે, જેમાં સરેરાશ ૧પ જેટલી વ્યક્તિઓને ફાયરની ટીમ બચાવવામાં સફળ રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા ૮ મહિનામાં ર૭ર વ્યક્તિએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું છે, જેમાં રર૦ વ્યક્તિ મોતને ભેટ્યા છે જ્યારે પપ વ્યક્તિને ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે બચાવી લીધા છે. ચોંકાવનારી વિગત એવી છે કે મેથી ઓગસ્ટ મહિના સુધીમાં ૧ર૩ જેટલા લોકોએ નદીમાં ઝંપલાવ્યાના મેસેજ ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમને મળ્યા છે. સાબરમતી નદીમાં સતત આ રીતે આત્મહત્યાના અને લાશ મળવાના બનાવો વધતાં ચિંતાનો વિષય બન્યો છે. આત્મહત્યાના બનાવો રોકવા માટે મ્યુનિ. તંત્ર અને પોલીસતંત્ર કોઇ ખાસ રસ દાખવી રહ્યાં નથી. સાબરમતી નદી શહેરની એક આગવી ઓળખ છે, છતાં લોકો તેનો ઉપયોગ આત્મહત્યા કરવા માટે કરી રહ્યા છે. સાબરમતી નદીમાં કૂદી આત્મહત્યા કરવામાં પુરુષોનું પ્રમાણ સૌથી વધુ છે.

જાન્યુઆરી-ર૦૧૬ થી ઓગસ્ટ, ર૦૧૬ સુધીમાં ૧૭૬ પુરુષોની લાશ સાબરમતી નદીમાંથી બહાર કાઢવામાં આવી છે જ્યારે ૪૩ મહિલા અને એક બાળકની લાશ નદીમાંથી મળી આવી છે. આત્મહત્યાના બનાવો રોકવા માટે ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ બનાવવામાં આવી છે. આ રેસ્ક્યૂ ટીમ મેસેજ મળતાં મોટા ભાગે તાત્કા‌િલક બનાવ સ્થળે પહોંચી લોકોના જીવ બચાવી લે છે, પરંતુ કેટલાક સમયે કૂદ્યાના મેસેજ મોડા મળતાં રેસ્ક્યૂ ટીમ તે જગ્યાએ સમયસર પહોંચી શકતી નથી અને તે સમયમાં આત્મહત્યા કરનાર વ્યક્તિ મોતને ભેટે છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા વોક-વે ઉપર સિક્યોરિટી ગોઠવવા છતાં લોકો નદીમાં ઝંપલાવી દે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક મહિનાથી નદીમાંથી ફૂલી ગયેલી હાલતમાં પણ લાશ મળી આવે છે. પોલીસતંત્ર પણ આવા આપઘાતના બનાવોને લઇને ગંભીર નથી જણાતું. ૧૦૯૧ જિંદગી હેલ્પલાઇન પોલીસે શરૂ તો કરી છે, પરંતુ તેનો જોઇએ તેવો પ્રચાર કરવામાં આવ્યો નથી અને તેનાં હોર્ડિંગ્સ બ્રિજ ઉપર લગાવવામાં આવ્યાં ન હોવાથી આત્મહત્યાનું પ્રમાણ વધુ છે, ત્યાં લગાવવામાં આવ્યાં નથી, જેના કારણે આવા બનાવો અટકતા નથી. જો દરેક બ્રિજ પર એક પોલીસકર્મીને તહેનાત કરી દેવામાં આવે તો કદાચ નદીમાં કૂદવાવાળી વ્યક્તિ પોલીસને જોઇ આત્મહત્યા ન કરે. આત્મહત્યા પાછળના કારણોની વાત કરીએ તો પુરુષ વર્ગની અંદર આપઘાતના બનાવોમાં વધારો થયો છે.

વધતી જતી મોંઘવારીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે. તો બીજી બાજુ નવયુવાનો પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને નોકરી ન મળતા તેઓ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. તે ઉપરાંત પતિ-પત્નીના રોજબરોજના ઘરકંસાસને કારણે ઘણીવાર પતિ કંટાળીને તેમજ વિચાર્યા વગર કુદરતે આપેલ કિંમતી જીવનનો અંત લાવવાના પ્રયાસો કરતા હોય છે.

રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પીઆઇ જે.એ. ભગોરાએ જણાવ્યું હતું કે લોકો રોજ આપઘાત કરે છે. ઘણી સિક્યુરિટી રાખીયે તો પણ ગમે તેમ કરી ને કૂદી જતા હોય છે. નહેરુબ્રિજ અને એલિસબ્રિજ પર જાળી મૂક્યા બાદ ત્યાંથી કોઈ આપઘાત નથી કરતું પણ હવે ચાલતા ચાલતા લોકો કૂદકો મારી દે છે.

સાબરમતી નદી પર આવેલા તમામ બ્રિજ ઉપર જાળી મૂકી આત્મહત્યાના બનાવો રોકવા માગ ઊઠતાં મ્યુનિ. તંત્રએ એલિસબ્રિજ અને નહેરુબ્રિજ ઉપર જાળી લગાવી દીધી છે, પરંતુ આ એક-બે બ્રિજ ઉપર જાળી લગાવીને તંત્રએ સંતોષ માન્યો છે. હાલમાં બ્રિજ ઉપર જાળી લગાવવાનું કામ બંધ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ફાયર બ્રિગેડ રેસ્ક્યૂ ટીમના ભરત મંગેલાએ જણાવ્યું હતું કે એલિસબ્રિજ અને નહેરુબ્રિજ ઉપર મ્યુનિ. કોર્પો. દ્વારા જાળી લગાવી દેવામાં આવતાં આત્મહત્યા કરનાર લોકો હવે સરદારબ્રિજ અને આંબેડકરબ્રિજ તરફ વળ્યા છે. હવે સૌથી વધુ સરદારબ્રિજ અને આંબેડકરબ્રિજ તરફના મેસેજ મળે છે અને ત્યાંથી લાશ મળે છે.

river-suicide-1

You might also like