રિવરફ્રન્ટના ‘સ્માર્ટ રોડ’નો પ્રોજેક્ટ અભરાઈએ ચડ્યો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદીના બંને કાંઠા પર નદીની સમાંતર એપ્રોચ રસ્તા બનાવાયા છે. ગત વર્ષના ડ્રાફટ બજેટમાં બંને કાંઠા પરના રસ્તાઓને ‘સ્માર્ટ રોડ’ જાહેર કરાયા હતા. પરંતુુ એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ આ રસ્તાઓ ‘સ્માર્ટ’ તો થયા નથી પરંતુ તંત્ર દ્વારા સ્માર્ટલી કામને પડતું મુકાયા હોવાની ચર્ચા ઊઠી છે.

ટ્રાફિક મેનેજમેન્ટના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિભિન્ન બ્રિજ પ્રોજેકટ હાથ ધરાયા છે. પશ્ચિમ વિસ્તારના નવા પ્રોજેકટની વાત કરીએ તો આશ્રમરોડ પર ઇન્કમટેકસ ચાર રસ્તા અને અંજલિ ચાર રસ્તા પરના ફલાય ઓવર બ્રિજના નિર્માણનું કામ હાથ ધરાયું છે. આશ્રમરોડ પરના ટ્રાફિકનાં ભારણને ઓછું કરવા તંત્ર દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ કાંઠા પરના રિવરફ્રન્ટના રોડને ગત વર્ષે ‘સ્માર્ટ રોડ’ જાહેર કરાયો હતો. પશ્ચિમ કાંઠાના આશરે ૮ કિ.મી. લાંબા રસ્તા ઉપરાંત સત્તાવાળાઓએ પૂર્વ કાંઠાનો આશરે ૧૦ કિ.મી. લાંબો રસ્તો પણ સ્માર્ટ રોડ જાહેર કર્યો હતો.
રિવરફ્રન્ટના બંને રસ્તા પરનાં નાનાં મોટાં વાહનોના પ્રવેશ માટે જરૂરી નિયમ બનાવી તેમાં ‘નો સ્ટોપ’ નિયમનું આયોજન કરવું, નો પ‌ાર્કિંગ, નો ઓવરટેકિંગ જેવા મુદ્દાઓને પણ સ્માર્ટ રોડ અંતર્ગત ધ્યાનમાં રખાયા હતા. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વાહનચાલકો લેનમાં વાહન ચલાવે તેવો તંત્રનો ઇશારો હતો.

આ ઉપરાંત બંને રસ્તા પર ઇન્ટેલિજન્ટ ટ્રાફિક સિસ્ટમનો ઉપયોગ પણ ‘સ્માર્ટ રોડ’ પ્રોજેકટ હેઠળ થવાનો હતો. ટ્રાફિકનું ભારણ ઘટાડવા તેમજ ટ્રાફિક સરળતાથી પસાર થઇ શકે તે માટે પીપીપી ધોરણે સીસીટીવી કેમેરા મૂકવાના હતા. આઇટીએસની સીસીટીવી સિસ્ટમ હેઠળ ટ્રાફિક જામની સમસ્યાથી વાહનચાલકોને માહિતગાર કરવા કોર્પોરેશને ટ્રાફિક પોલીસ અને જાપાન એક્સપ્રેસ વે ઇન્ટરનેશનલ કંપની સાથે એમઓયુ કરી સેટેલાઇટ વિસ્તારમાં પાઇલટ પ્રોજેકટ પણ અમલમાં મૂક્યો છે. પરંતુ સ્માર્ટ રોડ જાહેર કરાયેલા રિવરફ્રન્ટના બંને કાંઠા પરના રસ્તાના કુલ ૩ર ટ્રાફિક સિગ્નલ વાહનચાલકોને દિશા બતાવવામાં ઉપયોગી થતાં નથી ! અત્યારે તો મ્યુનિસિપલ વર્તુળોમાં રિવરફ્રન્ટના સ્માર્ટ રસ્તાના પડતાં મુકાયેલાં કામની ચર્ચા ઊઠી છે.
http://sambhaavnews.com/

You might also like